વેબસિરીઝ IC 814: The Kandahar Hijack’ આવી વિવાદોમાં, સરકારે મોકલી નોટીસ, મુસ્લિમ હાઈજેકર્સને હિન્દુ નામ સાથે દર્શાવ્યા

નેટફ્લિક્સ પર તાજેતરમાં રજૂ થયેલ વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ વિવાદોમાં આવી છે. આ વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. પીઆઈએલમાં ઉલ્લેખ કરાયો છે કે, વિમાનના અપહરણમાં સામેલ મુસ્લિમ આતંકવાદીઓને હિંદુઓના નામ આપીને વાસ્તવિક ઓળખ તોડી-મરોડીને બતાવવામાં આવી છે. વેબ સિરીઝના ડાયરેકટર અનુભવ સિન્હા પર દેશ વિરુદ્ધની પ્રવૃતિ કરવા અને સાચો ઈતિહાસ છુપાવીને રજૂ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Netflix પર રિલીઝ થયેલી વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack’ પર પ્રતિબંધનો ખતરો છે. આ કેટેગરીને લઈને દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. જેમાં મીની સીરીઝ ‘IC 814: ધ કંધહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. પીઆઈએલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અપહરણમાં સામેલ આતંકવાદીઓની વાસ્તવિક ઓળખ તોડી-મરોડીને બતાવવામાં આવી છે.

આતંકવાદીઓને આપ્યા હિન્દુ નામો

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી સિરીઝમાં આતંકવાદીઓને હિન્દુ નામ આપીને તેમની ‘અસલ ઓળખ’ છુપાવવામાં આવી છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝના નિર્માતાઓ માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત સિરીઝ પર પ્લેન હાઇજેક કરનારા આતંકવાદીઓની ઓળખ છુપાવવાનો આરોપ છે

એક્શનમાં છે ભારત સરકાર

આ અંગે સરકારે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોનું માનીએ તો હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને સમન્સ મોકલ્યા છે. ફિલ્મમાં આતંકવાદીઓના નામ બદલવાની સાથે સરકાર તેમની પાસેથી અજીત ડોભાલના એન્ગલ અંગે પણ જવાબ માંગવા જઈ રહી છે. આ સાથે જ આ ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ટીકા

ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ વેબ સિરીઝ પર સવાલો ઉઠાવ્યા છે. તેણે X પર લખ્યું કે IC-814ના હાઇજેકર્સ ભયંકર આતંકવાદીઓ હતા. જેમણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે કાલ્પનિક નામો અપનાવ્યા હતા. ફિલ્મ દિગ્દર્શક અનુભવ સિંહાએ તેમના બિન-મુસ્લિમ નામોનો પ્રચાર કરીને તેમના ગુનાહિત ઇરાદાઓને કાયદેસર બનાવ્યા છે. આ વેબ સિરીઝની તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકરી ટીકા થઈ રહી છે.

સત્ય શું છે?

6 જાન્યુઆરી, 2000ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ અપહરણકર્તાઓના સાચા નામ આ હતા :

-ઇબ્રાહીમ અથર, બહાવલપુર

-શાહિદ અખ્તર સઈદ, ગુલશન ઈકબાલ, કરાચી

-સન્ની અહેમદ કાઝી, ડિફેન્સ એરિયા, કરાચી

-મિસ્ટ ઝહૂર ઈબ્રાહીમ, અખ્તર કોલોની, કરાચી

-શાકીર, સુક્કુર શહેર

સત્ય શું છે

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાઇજેક થયેલા પ્લેનમાં સવાર મુસાફરો માટે હાઇજેકરોએ પોતાને કોડનામ આપ્યા હતા. જેમાં ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકરનો સમાવેશ થાય છે. અપહરણ વખતે તેઓ એકબીજાને આ નામથી બોલાવતા હતા. તેથી તે કહેવું યોગ્ય રહેશે નહીં કે ફિલ્મ નિર્માતાએ નામો બદલ્યા છે. ઘટના દરમિયાન બે અપહરણકર્તાઓએ આ નામનો કોડનામ તરીકે ઉપયોગ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ભોલા અને શંકરના નામ પર ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ નિર્માતાએ જાણીજોઈને અપહરણકર્તાઓ મુસ્લિમ હોવા છતાં તેમના નામ હિંદુ રાખ્યા છે.