નવી ફિલ્મ નથી તો જુની સુપરહિટ ફિલ્મો ફરીથી બતાવો

એક સાથે ત્રણ ફિલ્મો સ્ત્રી-2, ખેલ ખેલ મેં અને વેદા રિલીઝ થયાં પછી, સતત બીજા અઠવાડિયામાં કોઈ મોટી નવી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી. જો કે, સ્ત્રી-2 હજુ પણ થિયેટરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. સાથે જ અમુક લોકો ખેલ ખેલ મે અને વેદા પણ જોઈ રહ્યાં છે. પરંતુ સિનેમાના દર્શકોને ધ્યાનમાં રાખીને સિનેમા જગતના લોકોએ કેટલીક સુપરહિટ ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

જેમાં હોરર થ્રિલર તુમ્બાડ, હર દિલ અઝીઝ ગેંગ્સ ઓફ વાસેપુરના બંને ભાગો અને સદાબહાર રોમેન્ટિક ફિલ્મ રેહના હૈ તેરે દિલ મેં નો સમાવેશ થાય છે.

આ પહેલાં પણ જ્યારે સિનેમાઘરોમાં નવી ફિલ્મોની અછત હતી ત્યારે સિનેમાઘરોના માલિકોએ જૂની સુપરહિટ ફિલ્મોને ફરીથી રજૂ કરવાની ટ્રીક અજમાવી ચુકયા છે. આ જ કારણ છે કે હાલમાં સિનેમા માલિકો ઘણી વખત જૂની સુપરહિટ ફિલ્મો રજૂ કરે છે, ત્યારે જૂની સુપરહિટ ફિલ્મોના નિર્દેશકો અને નિર્માતાઓ પણ તેમની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવા માંગે છે.

તાજેતરમાં જ મિસ્ટર ઈન્ડિયા જેવી સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક શેખર કપૂરે ટ્વીટ કરીને ચાહકોને પુછયું હતું કે કેટલા લોકો મોટા પડદા પર અને નાના પડદા પર મિસ્ટર ઈન્ડિયા જોઈ છે ? અને તેની ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે લગભગ 37 વર્ષ પહેલાં રીલીઝ થયેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા ફરીથી રીલીઝ થવી જોઈએ, જેથી તેના ચાહકો તેનો આનંદ માણી શકે.

છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના રિમેકની પણ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ જગતના જાણકારોના મતે સુપરહિટ ફિલ્મોને સિનેમાઘરોમાં ફરી રજૂ કરવાનો ખ્યાલ ઘણો જૂનો છે. પરંતુ ભારત જેવા દેશમાં દર વર્ષે આટલી મોટી સંખ્યામાં ફિલ્મો બને છે. નવી ફિલ્મો ક્લૈશની સાથે રિલીઝ થાય છે. આવી સ્થિતિમાં જૂની હિટ ફિલ્મોને રિ-રિલિઝ માટે રિલીઝ ડેટ મળતી નથી.

આ વર્ષે પહેલી લોકસભા ચૂંટણીને કારણે ઘણી રિલીઝ તારીખો ખાલી રહી હતી. તે પછી, ફિલ્મોના નબળા પ્રદર્શનને કારણે, અન્ય ફિલ્મોના નિર્માતાઓએ તેમની ફિલ્મોની રિલીઝ તારીખો મોકૂફ રાખી છે. આવી સ્થિતિમાં, સિનેમા પ્રેમીઓએ તેમના રોજિંદા ખર્ચને પહોંચી વળવા જૂની હિટ ફિલ્મોને ફરીથી રજૂ કરવાનો માર્ગ પસંદ કર્યો છે.

આ દરમિયાન માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ સાઉથની પણ ઘણી સુપરહિટ ફિલ્મો ફરીથી રિલીઝ થઈ હતી. નિષ્ણાતો કહે છે. નવી પેઢીના લોકો જુની હિટ ફિલ્મો નાના પડદા પર જ જુએ છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમને તે ફિલ્મ મોટા પડદા પર જોવાની તક મળે છે, ત્યારે ઘણાં લોકો તેને જોવાનું પસંદ કરે છે.