ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મોએ હંમેશા ‘કટોકટી’ વેઠી છે

દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનું રાજકીય અને અંગત જીવન હંમેશા ઉત્સુકતાનું કારણ રહ્યું છે. મજબૂત નિર્ણયો લેનારાં વડાપ્રધાન હોવાની સાથે ઈન્દિરા ગાંધીને કટોકટી લાદવા માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન આધારિત ફિલ્મો ઓડિયન્સને વર્ષોથી ગમતી રહી છે, પરંતુ બહુ ઓછા લોકોએ ફિલ્મ બનાવવાની હિંમત કરી છે. કારણ કે, ઈન્દિરા ગાંધીના જીવન આધારિત બનતી ફિલ્મો પર સેન્સર બોર્ડ હંમેશા કરડી નજર રાખે છે.

તેના ડાયલોગ્સ, દૃશ્યો પર કાતર ફેરવ્યા પછી જ સેન્સર બોર્ડમાંથી મંજૂરી મળે છે. કંગના રણોતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ પહેલાં જ રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. આ વિષય પર બનેલી ફિલ્મો માટે અગાઉ પણ માર્ગ ઘણો કપરો રહ્યો હતો.

કંગનાની ‘ઈમરજન્સી’નો વિરોધ કેટલાક શીખ સંગઠનો કરી રહ્યા છે. તેમની રજૂઆતના પગલે બોમ્બે હાઈકોર્ટે 18 સપ્ટેમ્બર સુધી આ મામલે યોગ્ય પગલાં લેવા સેન્સર બોર્ડને નિર્દેશ આપ્યા છે. આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ કંગનાએ ભારે હૈયે તેને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો હતો.

જાણીતા ડાયરેક્ટર મધુર ભાંડારકરે કૃતિ કુલ્હરી સાથે કટોકટી કાળ આધારિત ફિલ્મ ‘ઈન્દુ સરકાર’ બનાવી હતી. કોંગ્રેસ દ્વારા આ ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો. ફિલ્મમાં ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીને ખરાબ રીતે રજૂ કરાયા હોવાનો દાવો થયો હતો. વિરોધની વચ્ચે પણ આ ફિલ્મ 2017માં નિયત તારીખે જ રિલીઝ થઈ હતી. શબાના આઝમી, રાજ બબ્બર અને સુરેખા સિકરીને લીડ રોલમાં રજૂ કરતી ‘કિસ્સા કુર્સી કા’ને તત્કાલીન સાંસદ અમૃત નાહટાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મને એપ્રિલ 1975માં સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરાઈ હતી. ફિલ્મને મંજૂરી આપવાના બદલે તેની પ્રિન્ટ્સ જપ્ત કરીને સળગાવી દેવાઈ હતી. લાંબા વિલંબ બાદ આખરે 1978માં આ ફિલ્મને રિલીઝ કરાઈ હતી.

ગુલઝારના ડાયરેક્શનમાં બનેલી ‘આંધી’ની ગણતરી કલ્ટ ફિલ્મોમાં થાય છે. સંજીવ કુમાર અને સુચિત્રા સેનનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મમાં તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમનાં પતિના સંબંધોને રજૂ કરાયા હોવાનું કહેવાય છે. ભારે વિવાદની વચ્ચે 1975માં આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવાઈ હતી. કટોકટી કાળ બાદની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીનો પરાજય થયો અને 1977માં રિલીઝને મંજૂરી મળી હતી