અબ તો બચ્ચન હી બનના હૈ

પોતાની સુપરહિટ કમર્શિયલ ફિલ્મો કરતાં ‘હાઇવે’, ‘ઉડતા પંજાબ’, ‘રાઝી’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મોના પાવરફુલ પર્ફોર્મન્સ માટે વધુ જાણીતી આલિયા ભટ્ટ આવતા મહિને પોતાના અભિનય દ્વારા ફરી તરખાટ મચાવશે એવું લાગે છે. ઑક્ટોબરમાં નવરાત્રિ દરમ્યાન, ૧૧ તારીખે નોમના દિવસે આલિયાની આગામી ફિલ્મ ‘જિગરા’ રિલીઝ થવાની છે જેનું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું છે.

આ ટ્રેલર પરથી ક્યાસ કાઢી શકાય છે કે જેલમાંથી પોતાના ભાઈને છોડાવવા માટે જીવસટોસટની બાજી ખેલતી જાંબાઝ બહેન વિશેની આ ફિલ્મ છે.

ટ્રેલરની શરૂઆત ઇન્ટરેસ્ટિંગ ડાયલૉગથી થાય છે જેમાં એક રેસ્ટોરાંમાં કોઈની સાથે બેઠેલી આલિયા કહે છે : માં કો ભગવાન લે ગએ, પાપા ને ખુદ કી જાન લે લી. દૂર કે રિશ્તેદારને પનાહ દી ઔર ભારી કિરાયા વસૂલ કિયા. છોડોના ભાટિયા સાબ, કહાની બહોત લંબી હૈ ઔર ભાઈ કે પાસ વક્ત બહોત… બહોત કમ.

પોતાના ભાઈને છોડાવવા આલિયા આ ફિલ્મમાં કઈ હદે જાય છે એ ટ્રેલરમાં જોઈ શકાય છે અને એમાંનો એક સંવાદ પણ આલિયાના નિર્ધારને છતો કરે છે. આ સંવાદમાં એક પાત્ર જ્યારે આલિયાને કહે છે કે બચ્ચન નહીં બનના હૈ, બચકે નિકલના હૈ ત્યારે આલિયા શાંતિથી કહે છે : અબ તો બચ્ચન હી બનના હૈ.

આ ટ્રેલર દરમ્યાન ‘ફૂલોં કા તારોં કા સબકા કહના હૈ, એક હઝારોં મેં મેરી બહના હૈ’ વાગતું રહે છે. ‘જિગરા’ આલિયાએ કરણ જોહર સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી છે. આલિયાની સાથે નિર્માતા તરીકે તેની બહેન શાહીનનું પણ નામ છે. પ્રોડ્યુસર તરીકે આલિયાની આ બીજી ફિલ્મ છે. આ પહેલાં તેણે શેફાલી શાહ અને વિજય વર્મા સાથેની ‘ડાર્લિંગ્સ’ પ્રોડ્યુસ કરી હતી.

‘જિગરા’માં કોણ છે આલિયાનો ભાઈ?
આ ફિલ્મમાં આલિયા ભટ્ટના ભાઈની ભૂમિકા વેદાંગ રૈનાએ ભજવી છે. વેદાંગે ગયા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધી આર્ચીઝ’થી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હીમાં જન્મેલો ૨૪ વર્ષનો વેદાંગ કાશ્મીરી છે અને મુંબઈમાં ઊછર્યો-ભણ્યો છે. અફવાબજારની વાત માનીએ તો તે જાહ્નવી કપૂરની બહેન ખુશીને ડેટ કરી રહ્યો છે.

આલિયા ‘સરકારિની’

જિગરા’નું ટ્રેલર જોઈને વિખ્યાત ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે આલિયામાં એક સરકારિની જેવો પાવર દેખાય છે.