ગૃહિણીઓ ઘરમાં વિવિધ વાનગીઓ બનાવવાનું પસંદ કરતી હોય છે. દરરોજની બનતી રસોઈમાં આપણે ઘઉંનો ઉપયોગ સૌથી વધારે કરીએ છે. તેમાં પણ ઘઉંના લોટમાંથી સૌથી વધુ રોટલી જ બનાવીએ છીએ. પરંતુ ઘઉંમાંથી અન્ય વાનગીઓ પણ સ્વાદિષ્ટ બની શકે છે.
મિલેટ ધાન્ય એટલે જાડું ધાન્ય, જેનો ઉપયોગ શરીર માટે ખૂબ હિતાવહ છે. ત્યારે ઘઉંના ફાડાનો ઉપયોગ કરીને તેમાંથી ટેસ્ટી વેજીટેબલસ્થી ભરપૂર ખીચડી શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને ટેસ્ટી બને છે. ભુજના રહેવાસી દિપ્તીબેન ગુજરાતીએ ઘઉં ફાડાની વેજીટેબલ ખીચડી બનાવતા શીખવાડી છે, જાણો તેને બનાવવાની સરળ રેસીપી.
ઘઉં ફાડાની વેજીટેબલ ખીચડી બનાવવાની સામગ્રી:
ઘઉંના ફાડા(બે મોટા વાટકા ઘઉંના ટુકડાને ચાર કલાક પલાળી રાખવા)
ઘી, તેલ
ફ્લાવર, વટાણા, ગાજર, લીલી ડુંગળી (એક વાટકી)
બટાકા – 1 નંગ
મરચા – 2 નંગ
મસાલો બનાવવાની રીત
સૌપ્રથમ કડાઈ ગરમ થાય એટલે, તેમાં એક ચમચી ઘી અને તેલ નાખો. ત્યારબાદ જીરું, લવિંગ, મરી, તજ વડે વઘાર કરો. વઘાર થયા પછી સૌ પ્રથમ તેમાં સમારેલા બટાકા ઉમેરો અને સેજ પાણી નાખી થોડી વાર ઢાંકી રંધાવા દો. ત્યારબાદ ફ્લાવર, વટાણા અને સમારેલા ગાજરના ટુકડા ઉમેરવા. તે દરમિયાન ખીચડીને થોડું હલાવતા રહેવું. તે પછી સમારેલી લીલી ડુંગળી ઉમેરવી.
હવે તેમાં ચાર કલાક પલાળેલા બે વાટકા ઘઉંના ફાડા નાખો. તેમાં થોડું એક એક ગ્લાસ પાણી અને છાશ નાખો. હવે જરૂર મુજબ મસાલો કરી, તેને ઢાંકી, ધીમા તાપે ઉકાળવા દો. ઉકળ્યા બાદ તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી ઘઉં ફાડા વેજીટેબલ ખીચડી.
ઘઉં ફાડા વેજીટેબલ ખીચડીના ફાયદા
જો તમે ડાયટ ફોલો કરતા હોવ, તો તેમાં તમે રોટલી અને ભાતની જગ્યાએ ફક્ત આ ઘઉં ફાડા ખીચડીને ડાયટમાં સામેલ કરો, તો પેટ પણ ભરાઈ જાય સાથે શરીર માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. મિલેટ ધાન્ય તરીકે પણ ખૂબ સારી વાનગી રહે છે. તથા આ વાનગીમાં બધા જ શાકભાજીનો ઉપયોગ કરવાથી સ્વાદની સાથે હેલ્ધી પણ રહે છે.