વરસાદી માહોલમાં ગરમાગરમ ચણાની દાળના પકોડાનો ચટાકો, જાણી લો રીત

  • વરસાદી સિઝનમાં ગરમા ગરમ પકોડા ખાવાની અલગ જ મજા
  • ચટાકેદાર ચણાની દાળના પકોડાનો માણો ચટાકો
  • ટેસ્ટી અને હેલ્ધી પકોડાનો માણો સ્વાદ

વરસાદની સિઝન ચાલી રહી છે. આવા માહોલમાં તો ગરમા ગરમ ખાવાની એવી મજા આવે કે ન પૂછો વાત. ગરમા ગરમ મેગી, ભજીયા, વડાપાઉં આ બધુ ખાવામાં જલસા પડે. ત્યારે આજે તમને એવી વાનગી વિશે જણાવીશુ જે તમે નાસ્તામાં પણ ખાઇ શકશો.

અને જો વરસાદ પડી જાય આ દરમિયાન તો તેની મજા બેવડાઇ જશે. આ વાનગી છે ચણાની દાળના પકોડા

ટેસ્ટી ચણા દાળ પકોડા

ચણાની દાળના પકોડા ખાવામાં ટેસ્ટી હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. વરસાદી મોસમમાં સાંજે ચણાની દાળના પકોડા ખાવા મળે તો મજા જ આવે છે. જો તમે પણ ચણાની દાળના પકોડા બનાવવા માંગો છો તો આ રીત જુઓ

ચણા દાળ પકોડા માટેની સામગ્રી

ચણાની દાળના પકોડા બનાવવા માટે શું જોઇએ ?

  • 1 કપ પલાળેલી ચણાની દાળ
  • 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
  • 2 લીલા મરચાં
  • 1/4 કપ લીલા ધાણા
  • 1 ઇંચ છીણેલું આદુ
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી હિંગ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું અને તેલ.

કેવી રીતે બનાવશો ચણાની દાળના પકોડા

  • ચણાની દાળ પકોડા બનાવવા માટે સૌપ્રથમ પલાળેલી દાળને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. ધ્યાન રાખો કે પેસ્ટ વધારે જાડી ન હોવી જોઈએ.
  • દાળની પેસ્ટમાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, ધાણા, આદુ, જીરું, હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો અને ધાણા પાવડર મિક્સ કરો.
  • હવે મિશ્રણને સારી રીતે હલાવી લો એટલે તમારુ ખીરું તૈયાર
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
  • તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તે મિશ્રણના નાના નાના પકડો તળો
  • પકોડા લાઇટ બ્રાઉન રંગના તળાય ત્યાં સુધી ધીમી આંચે ફ્રાય કરો
  • ગોલ્ડન રંગના થાય એટલે તેને પ્લેટમાં કાઢીને દહીં અથવા ચટણી સાથે સર્વ કરો.

તમારી પસંદગી મુજબ શાકભાજી ઉમેરો

જો તમે ઈચ્છો તો આ પકોડામાં તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો અથવા તમારી પસંદગી મુજબ મસાલા ઉમેરી શકો છો. પકોડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં ચણાનો લોટ પણ ઉમેરી શકો છો.