તહેવારોની સીઝન શરૂ થઇ ચુકી છે. ગૃહિણીઓ પોતાના ઘરની સાફ સફાઇની સાથે મીઠાઇ બનાવવાની તૈયારીમાં કામે વળગી ચુકી છે. આજે શરદ પૂનમે આપણે બનાવીએ સ્વાદિષ્ટ સુરતી ઘારી, આ ઘારી તમે ઘરે જ બનાવી તહેવારને વધારે સારો બનાવી શકશો. તો રાહ કોની જુઓ છો થઇ જાઓ તૈયાર.
ઘારી બનાવવા જોશે સામગ્રી
માવો 1 કપ
ખાંડ ⅓ કપ
બદામ પીસેલી ¼ કપ
પિસ્તા પીસેલા ¼ કપ
ચણાનો લોટ 2 ચમચી
ઘી 1 ચમચી
એલચી પાવડર ¼ ચમચી
8-10 કેસરના તાંતણા
ઘારીનું ઉપરનું પડ કરવા માટેની સામગ્રી
મેંદો 1 કપ
ઘી 2 -3 ચમચી
જરૂર મુજબ પાણી
ઘારી બનાવવાની પદ્ધતિ
ઘારી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં માવાને શેકી લેવો. માવામાંથી ઘી છૂટુ થવા લાગે ત્યાં સુંધી શેકી લેવો. માવો બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા એક વાસણમાં કાઢી લેવો. હવે ગેસ પર એ જ કડાઈમાં એક ચમચી જેટલું ઘી નાખી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો, ચણાનો લોટને ધીમા તાપે બરોબર શેકી લેવો. ચણાના લોટ શેકાવાની સુગંધ આવવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં પીસેલી બદામ અને પીસેલા પિસ્તાને એલચી પાવડર નાખોને મિક્સ કરો, બદામ પિસ્તાને બેથી ત્રણ મિનિટ શેકી લેવા, હવે શેકેલું મિશ્રણને શેકેલા માવા સાથે મિક્સ કરો, સ્ટફિંગ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા એક બાજુ મૂકી દેવું.
સ્ટફિંગ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે તેમાં કેસરના તાંતણાને પીસેલી ખાંડ નાખી મિક્સ કરો , હવે તૈયાર સ્ટફિંગના નાના લુવા કે ગોળ કૂકી કટ્ટરથી ઘારીનો આકાર આપી ને સ્ટફિંગ ઘારી તૈયાર કરી લેવી.
ઘારીના પડ માટેનું કોટીંગ બનાવવાની રીત
એક વાસણમાં મેંદાનો લોટ લો લોટમાં એકથી બે ચમચી મોણ નાખી બરોબર મિક્સ કરો લોટ અને મોણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ નરમ લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે તેને એક ચમચી ઘી નાખી ફરી મસળી લેવો , હવે બાંધેલા લોટ માંથી પુરી બને એટલા લુવા બનાવી તેની મીડીયમ પાતળી પૂરી વણી લો. (પુરી વળતી વખતે ધ્યાન રાખવું કે પુરી બહુ જાડી ન હોય તેમ જ સાવ પાતળી પણ ના બનાવવી કેમકે જો પુરી ઘણી જાડી હશે તો અંદરથી કાચી રહી જશે અને જો બહુ પાતળી હશે તો તળતી વખતે તૂટી જવાની શક્યતા રહે છે એટલે મીડીયમ પાતળી પૂરી તૈયાર કરવી)
પુરી તૈયાર થઇ જાય એટલે તેમાં ધારીના મિશ્રણના લુવા બનાવેલા હતા તેને લઈ પુરી વચ્ચે મૂકી એક બાજુ થી બંધ કરતા જાઓ ( આપણે બટાકાપરોઠા બનાવ જેમ પુરણ ભરને પરોઠા નો લુવો બંધ કરીએ તેમ જ ઘારી ને બંધ કરવી)
ઘારીને બધી બાજુથી પ્રોપર બંધ કરીને વધારાનો જે ઉપર બાજુ લોટ રહે તેને કાઢી લેવો અને જ્યાંથી લોટ વધારાનો કાઢ્યો હોય ત્યાં આંગળી વડે સેજ દબાવી દેવું જેથી ઘારી તરતી વખતે છૂટી ન પડે આમ બધી ઘારીને તૈયાર કરી લેવી. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ,ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાં એક એક કરી ઘારી નાખી બંને બાજુ બે-ત્રણ મિનિટ તળી લેવી આમ બધી જ ઘારી તૈયાર કરી લેવી.