આ વખતે ગણપતી બાપ્પાને અર્પણ કરો ચોકલેટ મોદક, જાણો તેને બનાવવાની રીત

શ્રાવણ મહિના પછી ભારતમાં તહેવારોનો સિલસિલો શરૂ થઈ જાય છે. રક્ષાબંધનના થોડા દિવસો બાદ જન્માષ્ટમી અને તે પછી ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે, જે 10 દિવસ સુધી ચાલે છે. ગણેશ ઉત્સવનો ઉત્સાહ સર્વત્ર જોવા મળે છે. ઘણા લોકો પોતાના ઘરમાં ગણપતી બાપ્પાની સ્થાપના કરે છે. આ દિવસો તેમને ઘણી વાનગીઓ અર્પણ કરવામાં આવે છે.

જો ગણપતિ બાપ્પાના પ્રિય ભોજનની વાત કરીએ તો મોદક સૌથી પહેલા આવે છે. તમને બજારમાં દરેક પ્રકારના મોદક મળી જશે, પરંતુ જો તમે જાતે મોદક બનાવીને ગણેશને અર્પણ કરશો તો બાપ્પા ચોક્કસપણે તેનાથી પ્રસન્ન થશે. આ વખતે ગણેશ ઉત્સવ દરમિયાન, તમે બાપ્પાને સામાન્ય મોદકને બદલે ચોકલેટ મોદક અર્પણ કરી શકો છો. અહીં અમે તમને સ્વાદિષ્ટ ચોકલેટ મોદક બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.

સામગ્રી

  • મિલ્ક ચોકલેટ – 200 ગ્રામ
  • કોકો પાવડર – 1 ચમચી
  • માવો – 100 ગ્રામ
  • ખાંડ (દળેલી) – 2 ચમચી
  • નાળિયેરનું છીણ – 2 ચમચી
  • કાજુ, બદામ, પિસ્તા (બારીક સમારેલા) – 2 ચમચી
  • એલચી પાવડર – 1/2 ચમચી
  • ઘી – જરૂર મુજબ

બનાવાવની રીત

  • ચોકલેટ મોદક બનાવવા માટે સૌથી પહેલા તમારે તેનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે.
  • સ્ટફિંગ તૈયાર કરવા એક કડાઈમાં ઘી ઉમેરીને તેમાં માવાને ધીમી આંચ પર શેકી લો.
  • જ્યાં સુધી તે આછા ગુલાબી રંગનો ન થાય અને ઘી ન છોડે ત્યાં સુધી તેને શેકો.
  • જ્યારે માવો ઘી છોડવા લાગે ત્યારે તેમાં ખાંડ, નારિયેળનું છીણ, કાજુ, બદામ, પિસ્તા અને એલચી પાવડર ઉમેરો.
  • તેને સારી રીતે મિક્સ કરો અને પછી ગેસ પરથી પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો.
  • જ્યારે તે ઠંડુ થાય છે, ત્યારે મિલ્ક ચોકલેટને નાના ટુકડાઓમાં કાપીને માઇક્રોવેવમાં પીગળી લો.
  • આ ઓગળેલી ચોકલેટમાં કોકો પાવડર ઉમેરો જેથી એક સમાન મિશ્રણ બને.
  • હવે મોદક બનાવવા માટે સૌપ્રથમ મોદકના મોલ્ડને ઘીથી ગ્રીસ કરો.
  • હવે આ મોલ્ડની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ ભરો. બરાબર ભરાઈ જાય પછી તેને બહાર કાઢી લો.
  • આ જ રીતે મોદક તૈયાર કરો. બધા મોદક તૈયાર થઈ ગયા પછી તેની ઉપર ઓગાળેલી ચોકલેટ રેડો.
  • મોદકને 10-15 મિનિટ માટે ફ્રીજમાં રાખો જેથી તે સંપૂર્ણપણે સેટ થઈ જાય.
  • તમારા ચોકલેટ મોદક તૈયાર છે. તેને અર્પણ કર્યા પછી, તમે તેને પ્રસાદ તરીકે પણ વહેંચી શકો છો.