ડિનરમાં હોટલ જેવી જ મખની પનીર બિરયાની ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

બિરયાનીનું નામ સાંભળતા જ સૌથી પહેલા વિચાર મનમાં ચિકન બિરયાનીનો આવે છે. પરંતુ તમે જો વેજીટેરિયન છો અને તમારા વીકએન્ડને ખાસ બનાવવા માટે કંઈક સારી વાનગી ટ્રાય કરવા માંગો છો, તો ફટાફટ બનાવો પનીર મખની બિરયાની. આ બિરયાની ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ પરંતુ બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે. તો રાહ કોની જુઓ છો.

ચાલો જાણીએ કેવી રીતે બનાવવી આ સ્વાદિષ્ટ પનીર મખની બિરયાની.

સામગ્રી

  • પનીર- 250 ગ્રામ ટુકડા
  • આખા મસાલા- 2 ચમચી
  • ઘી- 3 ચમચી
  • ડુંગળી- 1 ઝીણી સમારેલી
  • બટર- 3 ચમચી
  • ટામેટાની પ્યુરી- 2 કપ
  • લીલા મરચાં- 2-3
  • લસણની કળી – 3-4
  • આદુ- 1 ચમચી
  • હળદર પાવડર- 1 ચમચી
  • ધાણાજીરું પાવડર- 1 ચમચી
  • તંદૂરી મસાલો- 1 ચમચી
  • એલચી પાવડર- ચમચી
  • ખાંડ- 1 ચમચી
  • કાજુની પેસ્ટ- 1/2 કપ
  • ક્રીમ-1/2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • બાફેલા ચોખા- 6 કપ
  • ડુંગળી- 1 શેકેલી
  • બદામ-1/2 કપ
  • ફુદીનો- 1/2 કપ
  • કોથમીર

બનાવવાની રીત

  • મખની પનીર બિરયાની બનાવવા માટે સૌથી પહેલા પનીરના ટુકડાને ઘીમાં નાખીને ઉપરથી થોડો મસાલો છાંટીને એક તરફ રાખી દો.
  • ગેસ પર પેનને મૂકો અને તેમાં આખા મસાલા જેમ કે તજ, લવિંગ, કાળી ઈલાયચી, લીલી ઈલાયચી, કાળા મરી નાખીને ફ્રાય કરો.
  • ત્યાર બાદ પેનમાં ડુંગળી, લીલું મરચું, આદુ અને લસણ નાખીને બે મિનિટ સુધી બરાબર હલાવો. હવે તેમાં ટામેટાની પ્યુરી નાખીને ધીમી આંચ પર દસ મિનિટ સુધી પકાવો. બધા મસાલા અને શાકભાજી રાંધ્યા પછી તેમાં કાજુની પેસ્ટ અને ક્રીમ નાખો.
  • હવે જે પનીર સાઈડમાં રાખી દીધા હતા તેને પણ પેનમાં નાખીને મિક્સ કરી લો. ધીમી આંચ પર છથી આઠ મિનિટ સુધી ચડવા દો.
  • ત્યાં સુધીમાં બાસમતી ચોખાને ઉકાળી લો. ચોખાને ઉકાળવા માટે તેને ત્રણથી ચાર વખત સારી રીતે ધોઈ લો. હવે ધોયેલા ચોખામાં પાણી નાખીને 30 મિનિટ સુધી રહેવા દો.
  • એક મોટા વાસણમાં પાણી નાખીને ચોખાને મીડિયમ આંચ પર સારી રીતે ઉકળવા માટે ઢાંકીને રાખી દો. ધ્યાન રાખો કે પાણી વધારે રાખો. જ્યારે ચોખા ઉકળી જાય ત્યારે તેને એક મોટી ચાળણી વડે ગાળીને પ્લેટમાં ફેલાવી લો.
  • પાણી બરાબર નીકળી જાય એટલે તેમાં એક ચમચી ઘી નાખીને છોડી દો પરંતુ ચમચા વડે હલાવો નહીં. થોડી વારમાં ચોખા ખીલી ઉઠશે.
  • એક ડુંગળીને ધીમી આંચ પર સારી રીતે ફ્રાય કરી લો. પછી એક પેનને તેલથી ગ્રીસ કરી લો. તેના પર પનીર અને ચોખા એકસાથે મૂકો. તેની ઉપર ફ્રાય કરેલી ડુંગળી અને કોથમીર નાખીને 20-25 મિનિટ સુધી ધીમી આંચ પર ઢાંકીને રાખી દો.
  • હવે બિરયાની પરથી ઢાંકણ હટાવી લો. ડિનર માટે તમારી સ્વાદિષ્ટ મખની પનીર બિરયાની તૈયાર છે. તેને રાયતાની સાથે ગરમાગરમ સર્વ કરી શકાય છે. તેને તમે પણ ખાઓ અને પરિવારના અન્ય સભ્યોને પણ ખવડાવો.