ચોમાસામાં વધે છે પેટની સમસ્યાઓ, બનાવો નાસ્તા માટે ખાસ પુરી

  • ટેસ્ટી પૂરી આપશે ખાસ ટેસ્ટ
  • પેટની સમસ્યાની ફરિયાદોમાં મળશે ઝડપથી રાહત
  • ચોમાસામાં ચા સાથે આ પૂરી લાગશે મસ્ત

જો તમે રોજરોજના એકસરખા નાસ્તાથી કંટાળી ગયા છો તો તમે બાળકોના લંચબોક્સમાં કે સવારના નાસ્તામાં પરિવારને આ ટેસ્ટી પૂરીની મજા કરાવી શકો છો. અજમાની મદદથી બનેલી આ ક્રિસ્પી ફરસી પૂરીને ગમે તે સમયે તમે ઉપયોગમાં લઇ શકો છો. તેમાંના સામાન્ય મસાલા એક અલગ જ ટેસ્ટ આપે છે.

ચા સાથે આ નાસ્તો તમને અલગ જ આનંદ આપશે. આ સાથે અજમો તમારી પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ લાભદાયી રહેશે. ચોમાસાની સીઝનમાં ખાસ કરીને પેટની સમસ્યાની ફરિયાદો વધી જતી જોવા મળે છે. તો જાણો કઈ રીતે બનાવશો આ ટેસ્ટી પૂરી ઘરે.

અજમાવાળી ફરસીપૂરી

સામગ્રી

  • 500 ગ્રામ મેંદો
  • 250 ગ્રામ રવો
  • 2 ટીસ્પૂન અજમો
  • 1 મુઠ્ઠી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • સ્વાદ મુજબ તેલ
  • એક ચમચો ઘી(મોણ માટે)
  • તેલ તળવા માટે.

રીત

સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો. મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો. તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો.