ચોમાસામાં ઢાબા સ્ટાઈલ પકોડાનો સ્વાદ માણો ઘરે, હેલ્થ પણ રહેશે ટનાટન

  • મેથીની ન્યૂટ્રીશન વેલ્યુ ખૂબ વધારે હોય છે
  • મેથી ખાવી પસંદ ન હોય તો ટ્રાય કરો આ ભજીયા
  • અનેક મસાલા સાથે મિક્સ કરીને ખાવાથી મેથીની કડવાશ થશે દૂર

વરસાદની સીઝન આવે એટલે ગુજરાતીઓને જાણે કે અલગ જ ચટાકો જોઈએ. તેમાં પણ જો વરસતા વરસાદમાં ગરમાગરમ પકોડા મળી જાય તો તેમને જાણે કે સોનામાં સુગંધ ભળી જતી હોય છે. પણ આ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બને છે.

પણ મેથી સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. તો જાણો હેલ્થ સંબંધિત ફાયદા અને સાથે આલુ મેથી પકોડા બનાવવાની સરળ રીત.

આ રીતે ફાયદો આપે છે મેથી

મેથી સ્વાદમાં કડવી લાગે છે પરંતુ, સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવતી હોય છે. મેથીને બીજી વસ્તુઓ સાથે મિક્સ કરીને બનાવામાં આવે તો તે એટલી કડવી નથી લાગતી. તેનામાં ન્યૂટ્રીશન વેલ્યુ ખૂબ વધારે હોય છે. તેમાંથી મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મીનરલ્સ મળી રહેતા હોય છે. આથી જો ઘરમાં કોઈ વ્યક્તિને મેથીનું શાક ખાવું ન ગમતું હોય તો તમે આ વાનગીને ટ્રાય કરી શકો છો. તો કરી લો તૈયારી.

આલુ મેથી પકોડા

સામગ્રી

-1 વાટકી ચણાનો લોટ

-1/2 વાટકી કણકીનો કરકરો લોટ

-1/2 વાટકી મેથી

-1/2 વાટકી દહીં

-100 ગ્રામ બટાટા

-2 નંગ લીલા મરચાં

-4 કળી લસણ

-1/2 ઝૂડી કોથમીર

-1 ટીસ્પૂન તલ

-1 ટીસ્પૂન ગરમ મસાલો

-1 ટીસ્પૂન ખાંડ

-મીઠું સ્વાદાનુસાર

-મરચું

-હળદર

-તેલ

રીત

સૌપ્રથમ બટાકાને બાફી લો. ત્યાર બાદ તેને છોલીને તેનો છૂંદો કરી લો. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ, કરકરો લોટ, બટાકાનો માવો, કસુરી મેથી, દહીં, મીઠું, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તલ, લીલા મરચા સમારેલા, લસણની પેસ્ટ, કોથમીર અને તેલનું મોણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જરૂર પૂરતું પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો. આ ખીરાને થોડીવાર માટે ઢાંકીને રાખો. જેથી બધી જ મસાલો એકરસ થઈ જાય. હવે એક મોટી અને ઉંડી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી ભજીયા ઉતારો. ભજીયાને ધીમા તાપે લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ત્યાર બાદ તેને તેલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકી તૈયારીમાં ગરમા-ગરમ જ લીલી ચટણી સાથે સર્વ કરો.

વરસાદની સીઝનમાં આ ભજીયાનો સ્વાદ તમને દાઢે વળગશે અને સાથે જ તમારી કસમયની ભૂખ સંતોષાવાની સાથે હેલ્થ પણ સારી રહેશે.