બ્રેકફાસ્ટમાં સાદા પરાઠાને આપો નવો ટ્વિસ્ટ, મળશે ભરપૂર આયર્ન

  • પાલકને બારીક સુધારીને કે પ્યુરી કરીને કરો યૂઝ
  • સામાન્ય મસાલા સાથે તૈયાર થશે ગરમાગરમ ટેસ્ટી પરાઠા
  • બ્રેકફાસ્ટમાં દહીં કે ચા સાથે માણી શકશો મજા

જો તમે સાદા પરાઠાથી કંટાળ્યા છો તો તમે રવિવારે નાસ્તામાં ખાસ હેલ્ધી અને ટેસ્ટી પરાઠાને ટ્રાય કરી શકો છો. આ પરાઠા બાળકોને પણ પસંદ આવે છે અને પરિવારની હેલ્થ માટે તે સારા માનવામાં આવે છે. હા વાત થઈ રહી છે આયર્નથી ભરપૂર એવી પાલકની.

તમે ઘરે ફટાફટ પાલકના પરોઠા નાસ્તા માટે ટ્રાય કરી શકો છો. તો જાણો કેવી રીતે સરળ રીતે બનાવી શકાશે.

આયર્નનો ભરપૂર સોર્સ છે પાલક

પાલકની ભાજીમાં વધારે પ્રમાણમાં લોહતત્વ હોય છે. આમ તો તે શિયાળામાં વધારે મળે છે. પરંતુ હાલમાં પણ તે મળી રહે છે. જો બાળકો ક્યારેક તેનું શાક ખાવાનું ટાળતા હોય છે, તો તમે તેની પેસ્ટ બનાવીને કે પછી તેને બારીક સુધારીને પણ તેના પરાઠા તૈયાર કરી શકો છો. પરાઠાને તમે અથાણા, ચા કે દહીં સાથે પીરસી શકો છો. બ્રેકફાસ્ટ માટે તે બેસ્ટ ઓપ્શન મનાય છે.

પાલકના પરોઠા

સામગ્રી

-1 કપ પાલકની ભાજી

– 1 ટીસ્પૂન વાટેલાં આદુ-મરચાં

– 2 કપ ઘઉંનો લોટ

– 1 બારીક સુધારેલી ડુંગળી

– 4 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

– તેલ પ્રમાણસર

– મીઠું પ્રમાણસર

– 2 ચમચી તલ

– 1/2 ચમચી અજમો

– 2 ચમચી ખાંડ

બનાવવાની રીત

સૌપ્રથમ પાલકની ભાજીને સારી રીતે સાફ કરો અને તેને બારીક સુધારીને ધોઈ લો. હવે ડુંગળીને બારીક સમારી લો. હવે એક વાસણમાં ઘઉંના લોટમાં ભાજી, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, મરચું, મીઠું, 1 ટેબલ સ્પૂન તેલ,તલ, અજમો, ખાંડ નાંખી પરોઠાનો લોટ બાંધવો. ત્યારબાદ પ્રમાણસરના લુઆ કરી લો. આ પછી પરોઠા વણી તવી પર તેલથી શેકી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકો.

આ ગરમાગરમ પરોઠાને બ્રેકફાસ્ટમાં દહીં, ચા કે અથાણા સાથે પીરસવાથી તેની મજા વધી જશે.