- ભીંડા દરેક પરિવારમાં સૌને પ્રિય હોય છે
- ભીંડાને વિવિધ રીતે બનાવીને પીરસો
- સામાન્ય મસાલાની સાથે તૈયાર કરો કડાઈ ભીંડી
રોજ શું શાક બનાવવું એ એક પ્રશ્ન દરેક ઘરમાં જોવા મળે છે. ભાજીના શાક ક્યારેક બાળકોને પસંદ આવતા હોતા નથી. પરંતુ બાળકોની પસંદની વાત કરીએ તો તેમને ભીંડા ભાવે છે. તો તમે આ શાકને પણ વિવિધ રીતે બનાવી શકો છો. જેમકે સાદુ ભીંડાનું શાક , ભીંડા બટાકાનું શાક, દહીંવાળું ભીંડાનું શાક કે ભીંડાનું ભરેલું શાક.
આજે આપણે બનાવીશું કડાઈ ભીંડી, તો જાણો સરળ રેસિપિ.
કડાઈ ભીંડી
સામગ્રી
-250 ગ્રામ ભીંડા
-2 કેપ્સીકમ
-1 ડુંગળી
-1 ટામેટું
-2 લીલા મરચા કાપેલા
-2 ટીસ્પૂન ચણાનો લોટ
-1 ટીસ્પૂન લીંબુનો રસ
-1 ટીસ્પૂન ધાણા પાવડર
-1 ટીસ્પૂન લાલ મરચું
-1 ટીસ્પૂન ટોમેટો સોસ
-1/2 ટીસ્પૂન ગરમ મસાલો
-4 કળી વાટેલું લસણ
-1/2 ટીસ્પૂન હળદર
-1/2 ટીસ્પૂન ખાંડ
-1 ટીસ્પૂન જીરું
-ચપટી હિંગ
-5 મીઠા લીમડાના પાન
-થોડા કાપેલા લીલા ધાણા
-મીઠું સ્વાદ મુજબ
-તેલ જરૂર પ્રમાણે
બનાવવાની રીત
ભીંડાની પાતળી લાંબી ચીરી કરવી. ટામેટા, ડુંગળી અને કેપ્સીકમની લાંબી પાતળી ચીરી કરવી. ભીંડાને ગરમ તેલમાં ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા. હવે એક કડાઈમાં બે ટીસ્પૂન તેલ ગરમ કરી, તેમાં જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરવો. પછી તેમાં લીલા મરચા, લસણ, અને ડુંગળી નાંખી પાંચ મિનિટ સાંતળવું. પછી તેમાં કેપ્સીકમ અને હળદર નાંખી ચાર મિનિટ સાંતળવું. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, ધાણા પાવડર, મીઠું અને ખાંડ નાંખી, ધીમા તાપે થોડીવાર સાંતળવું. હવે તેમાં તળેલા ભીંડા, ટામેટાના ટુકડા, ટોમેટો સોસ, લાલ મરચું અને ગરમ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે પાંચ મિનિટ રાખી ગેસ પરથી ઉતારી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.
આ શાકને તમે પરોઠાની સાથે સર્વ કરી શકો છો. લંચ કે ડિનરમાં આ શાક તમને ખાસ ટેસ્ટ આપશે. તો કરી લો આજે જ પ્લાનિંગ.