‘તેની ટેકનિક યોગ્ય ન હતી…’, રોહિત શર્મા વિશે જોન્ટી રોડ્સનો મોટો ખુલાસો

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક વર્ષોમાં ઓપનર તરીકે ઘણો પ્રભાવશાળી સાબિત થયો છે. આ સ્ટાર બેટ્સમેને તેની કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી, પરંતુ 2013માં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ઇનિંગ્સની શરૂઆત કરાવી ત્યારથી તેની રમતમાં સુધારો થયો હતો. આ પછી રોહિતે ક્યારેય પાછું વળીને જોયું નથી.

રોહિત હવે 10 હજારથી વધુ ODI રન સાથે ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન ઓપનિંગ બેટ્સમેનોમાંનો એક છે.

રોહિત પાસે શ્રેષ્ઠ ટેકનિક નથી

તેણે IPLમાં પણ કેપ્ટન અને બેટ્સમેન બંને તરીકે મોટી સફળતા હાંસલ કરી છે. જેમાં એક બેટ્સમેન તરીકે 6500થી વધુ રન અને તેના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ખિતાબ જીતાડવો મહત્વપૂર્ણ છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કોચ જોન્ટી રોડ્સે તેના વિશે મોટો ખુલાસો કર્યો છે. રોડ્સે IPLમાં રોહિત સાથે કામ કરવાની તેની શરૂઆતની યાદોને યાદ કરી અને કહ્યું કે તેણે નેટમાં મહાન સચિન તેંડુલકર જેટલી સખત પ્રેક્ટિસ કરી નથી અને તેની પાસે યોગ્ય ટેકનિક પણ નથી.

રોહિત બિલકુલ બદલાયો નથી – જોન્ટી રોડ્સ

“મારો મતલબ, તે બિલકુલ બદલાયો નથી,” રોડ્સે એક ઈન્ટરવ્યૂમાં રોહિત શર્મા વિશે કહ્યું કે, તે ખૂબ જ રમુજી છે, પરંતુ જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે નેટ્સમાં વધુ સમય વિતાવ્યો ન હતો. તે ચોક્કસ છે કે તેણે સચિન તેંડુલકર જેટલી સખત પ્રેક્ટિસ નથી કરી. હોઈ શકે છે તેણે નેટ્સથી દૂર પ્રેકટીસ કરી હોય, પરંતુ તેને જોઈને લાગે છે કે તેની પાસે શ્રેષ્ઠ ટેકનિક ન હતી.

રોહિતે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી

રોહિતે આ વર્ષે ICC ટાઇટલના લાંબા દુષ્કાળનો અંત લાવ્યો અને ભારતીય ટીમને T20 વર્લ્ડકપની ટ્રોફી જીતાડી હતી. તેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી, જેની અસર સમગ્ર ટીમ પર પડી. તેના વિશે રોડ્સે કહ્યું, તેની ટીકા એ માટે કરવામાં આવે છે કે, તેના પગ વધારે મુવમેન્ટ કરી શકતા નથી. જ્યારે વાસ્તવમાં તે ક્રિઝ પર ખૂબ જ આરામદાયક છે અને સારી રીતે મુવમેન્ટ કરી રહ્યા છે.