ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો આ ભારતીય ખેલાડી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કરશે વાપસી

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી જલ્દી વાપસી કરે તેવું લાગતું નથી. મોહમ્મદ શમી લાંબા સમયથી ટીમની બહાર છે અને બધાને આશા હતી કે તે બાંગ્લાદેશ સિરીઝમાં વાપસી કરશે. જો કે, એવું ન થયું અને હવે સમાચાર આવી રહ્યા છે કે તે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ શકે છે. મોહમ્મદ શમી હવે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં મેદાનમાં પરત ફરે તેવી શક્યતા છે.

BCCI અત્યારે તેની સાથે વધારે જોખમ લેવા માંગતું નથી.

શમી ઘણા સમયથી ટીમની બહાર

મોહમ્મદ શમી ક્યારે પરત ફરશે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમની રાહ સતત વધી રહી છે. ફાસ્ટ બોલર લગભગ એક વર્ષથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તેણે વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદ ભારત માટે એક પણ મેચ રમી નથી. મોહમ્મદ શમીને વર્લ્ડકપ દરમિયાન જ ઈજા થઈ હતી પરંતુ સતત રમવાના કારણે ઈજા વધુ ઊંડી થઈ ગઈ હતી. આ કારણથી તેણે પાછળથી સર્જરી કરાવવી પડી હતી. મોહમ્મદ શમી ન તો IPL 2024માં ભાગ લઈ શક્યો હતો અને ન તો તે T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.

મોહમ્મદ શમીના વાપસીની રાહ લંબાઈ

શમીની બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ સુધીમાં વાપસી થવાની આશા હતી. એવું માનવામાં આવતું હતું કે આ સિરીઝ સુધીમાં તે ફિટ થઈ જશે અને રમશે. જો કે, સમાચાર આવ્યા હતા કે મોહમ્મદ શમી આ સિરીઝમાં નહીં રમે અને ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝનો ભાગ બનશે. જો કે, હવે સમાચાર આવી રહ્યા છે કે મોહમ્મદ શમી પણ આ સિરીઝમાંથી બહાર થઈ શકે છે અને તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સુધી જ મેદાનમાં પરત ફરે તેવી શક્યતા છે.

ભારતે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લેવાની છે અને ટીમ ઈન્ડિયા તેના માટે કોઈ કસર છોડવા માંગતી નથી. એ પણ શક્ય છે કે શમી ફિટ છે અને BCCI તેના પર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ માટે સાચવવામાં આવી શકે છે.