ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા રચશે ઈતિહાસ! તોડશે સાઉથ આફ્રિકાનો વર્લ્ડ રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયાના કેમ્પનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ બાંગ્લાદેશ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને કંપની કોઈપણ કિંમતે 2 મેચની સિરીઝ જીતવા માંગે છે.

ટીમ ઈન્ડિયા પાસે આ સિરીઝ જીતીને ઈતિહાસ રચવાની તક છે. એટલું જ નહીં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખશે.

ભારતીય ટીમે 178 ટેસ્ટ જીતી

ભારતીય ટીમે અત્યાર સુધીમાં 579 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, ટીમ 178 વખત જીતી છે અને 178 વખત હારી છે. 1 મેચ ટાઈ રહી છે અને 222 મેચ ડ્રો રહી છે. જો ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટ મેચો જીતી લે છે, તો તે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારી ચોથા નંબરની ટીમ બની જશે. એટલું જ નહીં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને પાછળ છોડી દેશે.

સાઉથ આફ્રિકાએ 179 ટેસ્ટ જીતી

સાઉથ આફ્રિકાએ અત્યાર સુધીમાં 466 ટેસ્ટ રમી છે. આ દરમિયાન ટીમે 179 મેચ જીતી છે અને 161 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 126 મેચ પણ ડ્રો રહી છે. 2 મેચ જીતીને ભારતીય ટીમ ટેસ્ટમાં 180 મેચ જીતનારી ટીમ બની જશે. ટેસ્ટમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. કાંગારૂ ટીમે 866 મેચ રમી છે અને 414માં જીત મેળવી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડ બીજા સ્થાને, વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા, સાઉથ આફ્રિકા ચોથા અને ભારતીય ટીમ પાંચમા સ્થાને છે.

કઈ ટીમ સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે

  • ઓસ્ટ્રેલિયા: 866 ટેસ્ટ, 414 જીત
  • ઈંગ્લેન્ડ: 1077 ટેસ્ટ, 397 જીત
  • વેસ્ટ ઈન્ડિઝ: 580 ટેસ્ટ, 183માં જીત
  • સાઉથ આફ્રિકાઃ 466 ટેસ્ટ, 179માં જીત
  • ભારત: 579 ટેસ્ટ, 178માં જીત