ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશના ‘બુમરાહ’થી રહેવું પડશે સાવધાન, પાકિસ્તાનના ઉડાવ્યા હતા હોશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાશે. ચાહકો આ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સામે 2-0થી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા લાંબા વિરામ બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાની છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશના સ્પિનરોથી દૂર રહેવાની જરૂર છે.

જો કે બાંગ્લાદેશનો યુવા ફાસ્ટ બોલર પણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ફાસ્ટ બોલરનું નામ નાહિદ રાણા છે.

જાણો કોણ છે નાહિદ રાણા

બાંગ્લાદેશના આ 21 વર્ષીય ફાસ્ટ બોલરે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં માત્ર 3 મેચ રમી છે. પરંતુ આટલા ઓછા સમયમાં પણ તેણે પોતાની ઓળખ બનાવી લીધી છે. તેના વિશે સૌથી ખાસ વાત એ છે કે તેની બુમરાહ સાથે સરખામણી કરવામાં આવે છે. તેની હાઈટ 6.3 ફૂટ છે અને તે સતત 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. તેની હાઈટને કારણે તેને વધારાનો ઉછાળો પણ મળે છે, જેના કારણે બેટ્સમેનોને ઘણી મુશ્કેલી પડે છે.

બાબર અને રિઝવાનને હેરાન કર્યા

નાહિદ રાણાએ પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ટેસ્ટ મેચમાં 44 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે પોતાની ઝડપથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને પણ પરેશાન કર્યા હતા. તેણે આ મેચની પ્રથમ ઇનિંગમાં રિઝવાનને આઉટ કર્યો હતો. જ્યારે બીજા દાવમાં તેણે બાબર આઝમને આઉટ કર્યો હતો.

જાણો કેવી રહી કારકિર્દી

તેનો જન્મ 2 ઓક્ટોબર 2002ના રોજ બાંગ્લાદેશના છપાઈ નવાબગંજમાં થયો હતો. તેણે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ પછી, તેણે 21 વર્ષની ઉંમરે બાંગ્લાદેશ માટે ડેબ્યૂ કર્યું. તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 11 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 18 મેચમાં 74 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 10 મેચમાં 26 વિકેટ લીધી છે.