ભારતીય ક્રિકેટરને હેડ કોચ પદેથી હટાવ્યા, એક મહિના પહેલા કરાઈ હતી નિમણૂક

ભારતના પૂર્વ ક્રિકેટર અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશને કેન્યા ટીમના હેડ કોચ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમને એક મહિના પહેલા જ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે હતો પરંતુ એક અહેવાલ મુજબ ડોડા ગણેશની નિમણૂક યોગ્ય રીતે કરવામાં આવી ન હતી અને તેમાં ગેરરીતિઓ થઈ હતી.

આ કારણે હવે તેને હેડ કોચ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

પત્ર જારી કરી આપી માહિતી

ક્રિકેટ કેન્યાના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે 28 ઓગસ્ટ 2024ના રોજ એક પત્ર જારી કર્યો હતો. આ પત્રમાં લખ્યું હતું કે, એક્ઝિક્યુટિવ બોર્ડે હેડ કોચ તરીકે તમારી નિમણૂકને ફગાવી દીધી છે. તમારી અને મનોજ પટેલ વચ્ચે 7 ઓગસ્ટ 2024ના રોજ થયેલો કરાર અમાન્ય કરવામાં આવ્યો છે. ક્રિકેટ કેન્યા હવે આ કરાર હેઠળ જવાબદાર નથી. તેથી તમને તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય ટીમ સાથે સંપર્ક અથવા વ્યવહાર કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

કેન્યાએ તેના બે ભૂતપૂર્વ ખેલાડીઓને નવા કોચ તરીકે નિયુક્ત કર્યા

ડોડા ગણેશનો કોન્ટ્રાક્ટ રદ કર્યા બાદ હવે કેન્યાની ટીમમાં બે કોચની નિમણૂક કરવામાં આવી છે. ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ લેમેક ઓન્યાંગો અને જોસેફ અંગારાને હેડ કોચ અને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંનેનું પહેલું કામ ICC ડિવિઝન 2 ચેલેન્જ લીગ માટે કેન્યાની ટીમને તૈયાર કરવાનું રહેશે. સપ્ટેમ્બરમાં કેન્યામાં યોજાનારી આ લીગમાં પાપુઆ ન્યુ ગિની, કતાર, ડેનમાર્ક અને જર્સી જેવી ટીમો ભાગ લેશે.

આ પછી, 2026 ICC મેન્સ T20 વર્લ્ડકપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર B ટૂર્નામેન્ટ પણ રમાશે. આ ટૂર્નામેન્ટમાં કેન્યા ઉપરાંત ઝિમ્બાબ્વે, રવાન્ડા, મોઝામ્બિક, ચિલી અને ઝામ્બિયા જેવા દેશો રમશે. 17મી ઓક્ટોબરથી 26મી ઓક્ટોબર દરમિયાન યોજાશે.

ગણેશ ડોડાની આંતરાષ્ટ્રીય કારકિર્દી

ગણેશ ડોડાનું આંતરરાષ્ટ્રીય કરિયર એટલું સારું નહોતું. તેણે ભારત માટે માત્ર 4 ટેસ્ટ અને એક વનડે રમી હતી. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના આંકડા ચોક્કસપણે ઘણા સારા હતા.