ઉત્તર પ્રદેશ T20 લીગની ફાઈનલ મેચમાં મેરઠ મેવેરિક્સે કાનપુર સુપરસ્ટાર્સને 5 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું. ગત સિઝનમાં એટલે કે 2023માં મેરઠ ફાઇનલમાં હારી ગયું હતું, પરંતુ આ વખતે ટીમ ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. આ ટાઈટલ મુકાબલામાં મેરઠના કેપ્ટન માધવ કૌશિકે છગ્ગો ફટકારીને પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.
કાનપુર સુપરસ્ટાર્સે આપ્યું 190 રનનું લક્ષ્ય
આ ફાઈનલ મેચમાં કાનપુર સુપરસ્ટાર્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા. કાનપુર તરફથી સૌથી વધુ રન કેપ્ટન સમીર રિઝવીએ બનાવ્યા, જેણે 36 બોલમાં 57 રન બનાવ્યા. જ્યારે 200ના તોફાની સ્ટ્રાઈક રેટથી રમતા શૌર્ય સિંહે 23 બોલમાં 56 રન બનાવ્યા હતા. મેરઠ તરફથી યશ ગર્ગે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
મેરઠ મેવેરિક્સની ઇનિંગ શરૂઆતમાં લડખડાઇ
મેરઠ મેવેરિક્સ લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આકાશ દુબે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી ઉવૈશ અહેમદ પણ માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગયો, જેના કારણે ટીમે માત્ર 40 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. પરંતુ તે પછી સ્વસ્તિક ચિકારા અને માધવ કૌશિકે કાનપુરના બોલરોને ખૂબ માર્યા. સ્વસ્તિક અને માધવ વચ્ચે 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી હતી, તેઓએ અનુક્રમે 62 રન અને 69 રનની ઇનિંગ્સ રમી હતી.
મેરઠ બન્યૂં બીજી સિઝનનું ચેમ્પિયન
કેપ્ટન માધવ અંત સુધી ક્રિઝ પર રહ્યો અને તેણે પોતાની ઇનિંગમાં 5 ગગનચુંબી સિક્સર પણ ફટકારી. દિવ્યાંશ રાજપૂતે 24 રન બનાવીને કેપ્ટનને સારો સાથ આપ્યો હતો જ્યારે રિતિક વત્સે 10 બોલમાં 20 રનની કેમિયો ઈનિંગ રમીને મેરઠને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. વાસ્તવમાં, કેપ્ટન માધવે લાંબી સિક્સ મારીને પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી છે. ગત સિઝનમાં કાશી રુદ્રરાજે મેરઠને 7 વિકેટે હરાવીને યુપી T20 લીગનું ટાઈટલ જીત્યું હતું.