GTમાંથી થશે આ સ્ટાર ખેલાડીની છુટ્ટી, મોટું કારણ આવ્યું સામે

IPL 2025 માટે તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેગા હરાજી ઘણા ખેલાડીઓ માટે નસીબના દરવાજા ખોલશે, જ્યારે ઘણા ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝી છોડવાનું મન બનાવી લીધું છે. શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સમાંથી રિદ્ધિમાન સાહાનો સફાયો થઈ શકે છે. આ ખેલાડી સતત 2 વર્ષથી આ ટીમ માટે નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જીટી મેનેજમેન્ટ આ ખેલાડીને રિલીઝ કરી શકે છે.

આ ખેલાડીનું પત્તુ કપાશે

IPL 2025 પહેલા GTના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને રિલીઝ કરી શકે છે. સાહા IPL 2022થી આ ટીમનો ભાગ છે. પ્રથમ સિઝનમાં ટીમ માટે સારું પ્રદર્શન કર્યા બાદ સાહા બીજી સિઝનથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ખરાબ પ્રદર્શનને કારણે જીટીએ IPL 2024માં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. સતત બે વર્ષ સુધી ફાઈનલ રમનારી ટીમ IPL 2024માં પ્લે-ઓફમાં પહોંચી શકી નથી. ઓપનિંગ બેટ્સમેન તરીકે સાહાનું ખરાબ પ્રદર્શન પણ આનું એક કારણ હતું.

આવું રહ્યું સાહાનું પ્રદર્શન

IPL 2023માં સાહાએ 17 મેચમાં માત્ર 23.19ની એવરેજથી 371 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી સિઝન સાહા માટે વધુ ખરાબ રહી હતી. તેણે 9 મેચમાં 15.11ની એવરેજથી 136 રન બનાવ્યા હતા. તે ગત સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી 40 વર્ષીય બેટ્સમેનને અલવિદા કહી શકે છે. જો તેની IPL કરિયર પર નજર કરીએ તો સાહાએ અત્યાર સુધી રમાયેલી 170 મેચોમાં 24.25ની એવરેજથી 2934 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 13 અડધી સદી પણ પોતાના નામે કરી હતી.

મેગા ઓક્શનનું થશે આયોજન

ગુજરાત ટાઈટન્સ સાહાને રિલીઝ કરે છે તો તેણે હરાજીમાં આવવું પડશે. આવી સ્થિતિમાં, કોઈ ફ્રેન્ચાઇઝી સાહાને તેની ટીમનો ભાગ બનાવે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે. કારણ કે આ દિવસોમાં ઘણા ખેલાડીઓ તેમના રાજ્ય દ્વારા આયોજિત ટી-20 લીગમાં તરખાટ મચાવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે તમામ ફ્રેન્ચાઇઝીની નજર યુવા પ્રતિભા પર ટકેલી છે.