45મા ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ માટેની પ્રબળ દાવેદાર ભારતની મેન્સ તથા વિમેન્સ ટીમે પોતાનો દબદબો જાળવી રાખીને સતત ત્રીજો વિજય હાંસલ કર્યો હતો.
ભારતે ત્રીજા મુકાબલામાં હંગેરીને 3.5-0.5ના સ્કોરથી પરાજય આપ્યો હતો. બીજી તરફ વિમેન્સ ટીમે સ્વિર્ટ્ઝલેન્ડ સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો. ડી ગુકેશે એડમ કોઝાકને, પ્રજ્ઞાનાનંદાએ જીએમ તામસ બાનુસને તથા અર્જુન ઇરિગેસીએ પીટર પ્રોઝકાને હરાવ્યો હતો.
ચોથા બોર્ડ ઉપર વિદિત ગુજરાતી અને ગાબોર પેપ વચ્ચેની મેચ ડ્રો રહી હતી. વિમેન્સમાં હરિકા દ્રોણાવલીનો એલેકઝાન્ડ્રા કોસ્તનિયૂક સામે પરાજય થયો હતો. વૈશાલીએ ગઝલ હાકિમફાર્ડને હરાવીને ભારત માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. દિવ્યા દેશમુખે સોફિયા હર્ઝલોવાને તથા વંતિકા અગ્રવાલે મારિયા માનકોને હરાવીને ભારતનો 3-1થી વિજય નિશ્ચિત કર્યો હતો. આ પહેલાં ભારતીય ચેસ ટીમે પોતાની વિજયકૂચ જાળવી રાખીને સતત બીજો વિજય મેળવ્યો હતો. ભારતે બીજા રાઉન્ડમાં મેન્સ કેટેગરીમાં આઇસલેન્ડને 4-0થી તથા વિમેન્સમાં ચેક રિબ્લિકને 3.5-0.5ના માર્જિનથી પરાજય આપ્યો હતો. પ્રથમ બોર્ડમાં ડી ગુકેશે આઈસલેન્ડના ટોચના ખેલાડી વિગનીર સ્ટેફન્સને બ્લેક મહોરાંથી આક્રમક અંદાજમાં હરાવ્યો હતો. ત્યારબાદ અર્જુન એરિગાસીએ હાનેસ સ્ટેફન્સને, વિદીત ગુજરાતીએ હિલમિર હેમિસમને તથા પેંટાલા હરીકૃષ્ણાએ હેલગી ગ્રેટરસનને પરાજય આપ્યો હતો.