ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર, માત્ર 1 સેમીથી ચૂક્યો ગોલ્ડ

જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરા ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ માત્ર 1 સેન્ટિમીટરથી ચૂકી ગયો અને તેને સિલ્વર મેડલથી સપડવું પડ્યું. બ્રસેલ્સના કિંગ બાઉડોઈન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 87.87મીટરના થ્રો સાથે પ્રથમ નંબરે રહ્યો હતો. નીરજ ચોપરાએ ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો થ્રો કર્યો હતો અને બીજા સ્થાને આવ્યો હતો.

નીરજ માત્ર 1 સેમીથી એન્ડરસનનથી પાછળ રહ્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.97 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો.

એન્ડરસનનું શાનદાર પ્રદર્શન

નીરજ ચોપરા ફાઇનલમાં માત્ર એક સેન્ટિમીટરથી ચૂકી ગયો અને ટાઇટલ જીતી શક્યો નહીં. ગ્રેનાડાના એન્ડરસને 87.87 મીટરના થ્રો સાથે ભાલા ફેંકનો ખિતાબ જીત્યો હતો. નીરજે કુલ 6 પ્રયાસો કર્યા પરંતુ માત્ર 3 વખત 85 થી વધુ ફેંકવામાં સફળ રહ્યો. જોકે તે પીટર્સથી આગળ નીકળી શક્યો નહોતો. અંતિમ રાઉન્ડમાં નીરજે પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો પરંતુ તે પીટર્સથી પાછળ રહી ગયો અને ટાઈટલ જીતવાથી ચુકી ગયો.

એન્ડરસને તેનું પ્રથમ ટાઇટલ જીત્યું

એન્ડરસન પીટર્સે પ્રથમ વખત ડાયમંડનો ખિતાબ જીત્યો હતો. તેણે ગયા મહિને પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીરજે આ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પીટર્સ બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂક્યો છે. તેણે વર્ષ 2019 અને 2022માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિવાય તેણે કોમનવેલ્થ ગેમ્સમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 93.07 મીટરનો તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો છે.

નીરજ ચોપરા 2022માં બન્યો હતો ચેમ્પિયન

નીરજ ચોપરા ભલે 2024માં ડાયમંડ લીગ ચેમ્પિયન ન બની શક્યો હોય, પરંતુ બે વર્ષ પહેલા તે આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો. તે વર્ષે, નીરજે ફાઇનલમાં 88.44 મીટરની ભાલા ફેંકીને ડાયમંડ લીગ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. 2023ની વાત કરીએ તો, ચેક રિપબ્લિકનો યાકુબ વાલેશે 84.24 મીટરનું અંતર કાપીને ચેમ્પિયન બન્યો હતો, પરંતુ નીરજ 83.80 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો.