ભારત અને પાકિસ્તાનની ટીમ જ્યારે મેદાન પર હોય ત્યારે ચાહકોમાં એક અનોખો ઉત્સાહ જોવા જેવો છે. આગામી 24 કલાકમાં કંઈક આવું જ જોવા મળશે. જી હા…રમતના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ જામશે. જો તમે એક રમતપ્રેમી હોય અને ખાસ કરીને ભારત-પાકિસ્તાનની મેચના તો શનિવાર બ્લોકબસ્ટર સાબિત થશે. ખરેખર, ભારત અને પાકિસ્તાનની હોકી ટીમો આમને-સામને થશે.
આ મેચ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં રમાશે. ચાલો જાણીએ કે ચાહકો ક્યારે, ક્યાં અને કેવી રીતે આ મેચનો આનંદ માણી શકશે.
સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા
સેમીફાઈનલમાં સ્થાન બનાવી ચૂકેલા અપરાજેય ભારતીય ટીમ ચિર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન વિરુદ્ધ શનિવારે એશિયન ચેમ્પિયન ટ્રોફીની બહુપ્રતીક્ષિત છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાનો દબદબો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. ચાર મેચમાં ચાર જીત નોંધાવ્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ પાકિસ્તાને પણ અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે. આ ટીમ બીજા સ્થાને છે.
ભારતે આ ટીમોની આપી માત
પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે ચીનને 3-0, જાપાનને 5-1, મલેશિયાને 8-1 અને કોરિયાને 3-1થી હરાવ્યું હતું. બીજી તરફ મહાન ફોરવર્ડ તાહિર ઝમાનના માર્ગદર્શનમાં રમતી પાકિસ્તાની ટીમે મલેશિયા અને કોરિયા સાથે 2-2થી ડ્રો રમી હતી. આ સિવાય જાપાનને 2-1થી અને ચીનને 5-1થી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યો છે.
ભારતનું પલડું ભારે!
વર્તમાન ફોર્મની વાત કરીએ તો ભારતનું પલડું ભારે છે. હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ગયા વર્ષે ભારતે પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. આ પહેલા ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે 4-0થી જીત મેળવી હતી. જકાર્તામાં 2022 એશિયા કપમાં યુવા ભારતીય ટીમે પાકિસ્તાનને 1-1થી ડ્રો પર રાખ્યું હતું, જ્યારે ઢાકામાં 2021 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત માટે હરમનપ્રીત સિંહે પાકિસ્તાન સામે સૌથી વધુ 16 ગોલ કર્યા છે, જ્યારે અરસલાન કાદરીએ પાકિસ્તાન માટે 4 ગોલ કર્યા છે.
શાનદાર ફોર્મમાં છે હરમનપ્રીત
ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેરિસ ઓલિમ્પિક દરમિયાન પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. તે પાકિસ્તાન સામે રમવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હરમનપ્રીતે કહ્યું, ‘હું મારા જુનિયર દિવસોથી પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ સામે રમતો આવ્યો છું. મારો તેની સાથે સારો સંબંધ છે અને તે ભાઈ જેવો છે. જો કે મેદાન પર કોઈપણ પ્રતિસ્પર્ધી સામે ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. વિશ્વ હોકીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરીફાઈનો કોઈ મુકાબલો નથી. મને ખાતરી છે કે વિશ્વભરના હોકી ચાહકો આ મેચની રાહ જોતા હશે.
ભારતીય ટીમ
હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અભિષેક, અલી અમીર, અરિજિત સિંહ હુંદલ, સૂરજ કરકેરા (ગોલકીપર), પાલ રાજ કુમાર, કૃષ્ણ બહાદુર પાઠક (ગોલકીપર), વિવેક સાગર પ્રસાદ, રાહિલ મોહમ્મદ, અમિત રોહિદાસ, સંજય, નીલકંઠ શર્મા, ગુરજોત સિંહ, જરમનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, ઉત્તમ સિંહ, વિષ્ણુકાંત સિંહ, સુમિત.
પાકિસ્તાન ટીમ
અબ્દુલ રહેમાન, અહેમદ એઝાઝ, અલી ગઝનફર, બટ્ટ અમ્માદ (કેપ્ટન), હમ્મુદ્દીન મુહમ્મદ, હયાત ઝિક્રિયા, ખાન અબ્દુલ્લા ઈશ્તિયાક (ગોલકીપર), ખાન સુફિયાન, લિયાકત અરશદ, મહમૂદ અબુ, નદીમ અહેમદ, કાદિર ફૈઝલ, રાણા વાહીદ અશરફ, રઝાક સલમાન, રૂમ્માન, શાહિદ હન્નાન, શકીલ મોઈન, ઉર-રહેમાન મુનીબ (ગોલકીપર).
મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 1.15 કલાકે શરૂ થશે. આ મેચ ટીવી પર સોની સ્પોર્ટ્સ ટેન 1 અને ટેન 1 એચડી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે, મેચ SonyLIV એપ્લિકેશન અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.