ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ ચેન્નાઈમાં આ સીરીઝ માટે પોતાની તૈયારીઓને મજબૂત કરી રહી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ આ સીરીઝ માટે 15 સપ્ટેમ્બરે ચેન્નાઈ પહોંચી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી એક મહાન રેકોર્ડની ખૂબ નજીક છે.
તે આ શ્રેણીની પ્રથમ મેચમાં આ રેકોર્ડ હાંસલ કરવા માંગશે. આ માટે તેને માત્ર થોડા રનની જરૂર છે.
વિરાટ કોહલી આ રેકોર્ડની ખૂબ નજીક
જો વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ દરમિયાન માત્ર 58 રન બનાવી લે છે તો તે એક ખાસ યાદીનો ભાગ બની જશે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 26942 રન છે. વિરાટ 58 રન બનાવતાની સાથે જ 27000 રનના આંકડાને સ્પર્શી જશે. વિરાટ કોહલી આવું કરનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની જશે. આ પહેલા ભારતના સચિન તેંડુલકર, શ્રીલંકાના કુમાર સંગાકારા અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27000 રનના આંકડાને સ્પર્શી ચૂક્યા છે.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી
વિરાટ કોહલી ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ મેચ માટે સખત મહેનત કરી રહ્યો છે. જો વિરાટ કોહલી આગામી મેચમાં 58 રન બનાવી લે છે તો તે માત્ર 592 ઇનિંગ્સમાં 27000 રન પૂરા કરી લેશે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેનના સૌથી ઝડપી 27000 રન હશે. આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે 623 ઇનિંગ્સમાં 27000 રન પૂરા કર્યા હતા.
ટીમ ઈન્ડિયા ટેસ્ટ જર્સીમાં જોવા મળશે કોહલી
વિરાટ કોહલી લાંબા સમય બાદ ટેસ્ટ જર્સીમાં રમતા જોવા મળશે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન તે ટીમનો ભાગ નહોતો. વિરાટ કોહલીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે 8 મહિના પછી ટેસ્ટ મેચ રમશે. ચાહકોને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. ચેન્નાઈમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ચેન્નાઈમાં તેણે 4 મેચમાં 44.50ની એવરેજથી 267 રન બનાવ્યા છે. ચેન્નાઈમાં તેનો સર્વોચ્ચ સ્કોર 107 રન છે.