બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારત બે પેસર્સ અને ત્રણ સ્પિનર્સને રમાડે

ભારત અને પ્રવાસી બાંગ્લાદેશ વચ્ચે 19મી સપ્ટેમ્બરથી ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ટીમે સોમવારે નેટ્સમાં લાંબા સમય ગાળ્યો હતો અને નેટ્સમાં જે રીતે ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી તેના આધારે ભારત પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિનર્સ સાથે રમે તેવી પૂરી સંભાવના છે. ભારત પ્રથમ ટેસ્ટ માટે ટર્નનિંગ ટ્રેક પણ તૈયાર કરાવી શકે છે અને આ સ્થિતિમાં બાંગ્લાદેશના બેટ્સમેનો પણ યજમાન સ્પિનર્સ સામે ઝઝૂમતા નજરે પડી શકે છે.

ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે સ્પિન બોલિંગ એક્સ ફેક્ટર રહેશે જેના કારણે શ્રોણીની તસવીર ઘણી રીતે સ્પષ્ટ થઈ જશે. ચેન્નાઇમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પેસ એટેક સંભાળશે.

પ્રથમ ટેસ્ટ માટે સુકાની રોહિત શર્માની સાથે ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઇનિંગનો પ્રારંભ કરી શકે છે. બંને આક્રમક બેટિંગ દ્વારા ભારત માટે સ્ફોટક શરૂઆત કરી શકે છે. શુભમન ગિલને ત્રીજા ક્રમે અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીને ચોથા ક્રમે બેટિંગમાં ઉતારવામાં આવી શકે છે. પાંચમા ક્રમે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તક આપવામાં આવશે જેના કારણે અન્ય વિકેટકીપર ધ્રુવ જુરેલને બેન્ચ ઉપર બેસવું પડશે. બેટિંગમાં છઠ્ઠા ક્રમે લોકેશ રાહુલને જવાબદારી સોંપવામાં આવશે. તે નિષ્ણાત બેટ્સમેન તરીકે રમશે. દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડની મેચ બાદ ટીમ સાથે જોડાયેલા સરફરાઝ ખાને પણ લાંબો સમય નેટ્સ ઉપર બેટિંગ કરી હતી પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી નહિવત્ સંભાવના છે.

ચેન્નાઇ ટેસ્ટમાં સાતમા ક્રમે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બેટિંગમાં ઉતરશે જે બેટની સાથે બોલ દ્વારા પણ ભારતના બોલિંગ આક્રમણને વધારે મજબૂત બનાવે છે. કુલદીપ યાદવ અને સિનિયર ઓફ સ્પિનર આર. અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે જેના કારણે ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલને બહાર રહેવું પડે તેવી સંભાવના છે. છેલ્લા બે ક્રમે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ રહેશે.

ભારતીય નેટપ્રેક્ટિસની હાઇલાઇટ્સ

કોહલી અને યજસ્વી જયસ્વાલે બે નેટ્સમાં લાંબો સમય બેટિંગ કરી, બંનેએ બુમરાહ અને અશ્વિનના લાંબા સ્પેલનો સામનો કર્યો હતો

સુકાની રોહિત, શુભમન ગિલ અને સરફરાઝ ખાતે પોતાના ક્રમ પ્રમાણે નેટ્સમાં ગયા હતા, રોહિતે મુખ્યત્વે સ્પિનર્સને વધારે રમ્યા હતા

લોકલ બોલર્સ સામે જાડેજા, વિકેટકીપર પંત તથા સિરાજે પણ બેટિંગ કરી હતી, આ ઉપરાંત તેમણે લાંબો સમય થ્રો-ડાઉન બોલ રમ્યા હતા