હરીફ ક્લબ વિલારિયલને 5-1થી હરાવીને બાર્સેલોનાએ લા લીગા ફૂટબોલ લીગમં પોતાની શાનદાર શરૂઆતને જારી રાખી હતી પરંતુ આ મેચમાં તેના ગોલકીપર માર્ક આન્દ્રે ટેર સ્ટેગેનને ઘૂંટણમાં ગંભીર ઈજા થતા તેને સ્ટ્રેચર ઉપર મેદાનની બહાર લઈ જવાની ફરજ પડી હતી.
બાર્સેલોનાએ લીગમાં સતત છઠ્ઠો વિજય હાંસલ કર્યો છે. રોબર્ટ લેવાન્ડોવસ્કી તથા રાફિન્હાએ બે-બે ગોલ નોંધાવ્યા હતા.
જોકે મેચમાં લેવાન્ડોવસ્કી એક વખત પેનલ્ટી પણ ચૂક્યો હતો. પાબ્લો ટોરેના પાસ ઉપર ગોલ કરીને લેવાન્ડોવસ્કીએ 20મી મિનિટે બાર્સેલોના માટે ખાતું ખોલ્યું હતું. સિઝનમાં આ તેનો છઠ્ઠો ગોલ રહ્યો હતો. તે ગોલ્ડન બૂટની રેસમાં રિયલ મેડ્રિડના કિલિયન મબાપે કરતાં બે ગોલ આગળ થયો છે. લેવાન્ડોવસ્કીએ 35મી મિનિટે પોતાનો બીજો ગોલ નોંધાવ્યો હતો. પાબ્લો ટોરેએ 58મી મિનિટે તથા રાફિન્હાએ 74મી તથા 83મી મિનિટે ગોલ કર્યા હતા. વિલારિયલ માટે અયોઝે 38મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો.
લીગની અન્ય મેચોમાં રિયલ મેડ્રિડે ઇસ્પાનોલને 4-1થી તથા એથ્લેટિક ક્લબ સેલ્ટા વિગોને 3-1થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત રાયો વાલ્કેનો અને એટ્લેટિકો મેડ્રિડ વચ્ચેની મેચ 1-1થી તથા ગટાફે અને લિગેનેસની મેચ 1-1થી ડ્રો રહી હતી. એથ્લેટિક ક્લબ માટે ગોર્કા ગુરુઝેટાએ ચોથી અને 39મી તથા અલ્વારો જાલોએ 80મી મિનિટે ગોલ કર્યો હતો.