ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. BCCIએ બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ રિપોર્ટ અનુસાર કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. મોહમ્મદ સિરાજને કાનપુર ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે.
સિરાજનું કપાઈ શકે પત્તુ
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ મેચમાં સિરાજ માત્ર 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. સિરાજે આ બંને વિકેટ પ્રથમ દાવમાં લીધી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેનું ખાતું પણ ખોલ્યું ન હતું. બીજી તરફ કાનપુરમાં સ્પિન બોલરોને વધુ મદદ મળે છે અને આ મેદાન પર ફાસ્ટ બોલરો કરતાં સ્પિન બોલરોએ વધુ વિકેટ લીધી છે. આ જોઈને મોહમ્મદ સિરાજનું પત્તુ કપાઈ શકે છે.
કુલદીપ યાદવને મળી શકે તક
કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને તક આપી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સ્પિન જોડી રમતી જોવા મળી હતી, જ્યારે હવે કુલદીપ યાદવ પણ કાનપુર ટેસ્ટમાં એન્ટ્રી કરી શકે છે. કુલદીપે ઘરઆંગણે 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે બોલિંગ દરમિયાન 35 વિકેટ લીધી છે.
કાનપુર સ્ટેડિયમના આંકડા
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં અત્યાર સુધી 32 મેચ રમાઈ છે. જેમાં સ્પિન બોલરોનો દબદબો જોવા મળ્યો છે. આ મેદાન પર એક તરફ ફાસ્ટ બોલરોએ 260 વિકેટ ઝડપી છે તો બીજી તરફ સ્પિનરોએ આ મેદાન પર 346 વિકેટ ઝડપી છે. જેના કારણે કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.