T20 ક્રિકેટને હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે. અહીં જ્યારે બેટ્સમેન બોલને બાઉન્ડ્રીની પાર મોકલે છે ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થાય છે. ક્રિકેટમાં રેકોર્ડ હંમેશા તોડવાના હોય છે. પરંતુ હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો મુશ્કેલ લાગે છે. નિકોલસ પૂરને ક્રિકેટ જગતની મોટાભાગની લીગમાં રમતો જોવા મળે છે.
તેની પાસે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલવાની ક્ષમતા છે અને તે ઝડપી ગતિએ રન બનાવે છે. આ કારણે તમામ ફ્રેન્ચાઇઝી તેને પોતાની ટીમમાં રાખવા માંગે છે.
કેરેબિયન પ્રીમિયર લીગમાં 93 રનની ઇનિંગ રમી હતી
નિકોલસ પૂરન છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને કેરેબિયન પ્રીમિયર લીગ 2024માં ઘણા રન બનાવી રહ્યો છે. ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી રમતા તેણે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સની ટીમ સામે 43 બોલમાં 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. તેના કારણે જ ટ્રિનબેગો નાઈટ રાઈડર્સની ટીમ મેચ જીતવામાં સફળ રહી છે. ખાસ વાત એ હતી કે તે અંત સુધી અણનમ રહ્યો હતો.
T20 ક્રિકેટમાં 150 સિક્સર ફટકારી
મેચમાં 7 સિક્સ ફટકારીને નિકોલસ પૂરને વર્ષ 2024માં T20 ક્રિકેટમાં તેની 150 સિક્સર પૂર્ણ કરી લીધી છે. તે T20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં 150 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની પહેલાં કોઈ આ કરી શક્યું ન હતું. ક્રિસ ગેલે વર્ષ 2015માં T20 ક્રિકેટમાં 135 સિક્સર ફટકારી હતી. હવે પુરણે 9 વર્ષ પછી ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને નવો સિક્સર કિંગ બની ગયો છે.
T20 ક્રિકેટમાં 8000 થી વધુ રન બનાવ્યા
નિકોલસ પૂરને T20 ક્રિકેટમાં અત્યાર સુધી 361 મેચ રમી છે અને કુલ 8032 રન બનાવ્યા છે, જેમાં 2 સદી સામેલ છે. આ દરમિયાન તેણે 563 સિક્સર ફટકારી છે. તે T20 ક્રિકેટના ઈતિહાસમાં ચોથો સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી છે.