Manu Bhaker બનશે ક્રિકેટર! સૂર્યકુમાર યાદવ પાસે લઇ રહી છે સ્પેશિયલ ટ્રેનિંગ

પેરિસ ઓલિમ્પિક-2024માં બે બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની યુવા શૂટર મનુ ભાકર હવે ક્રિકેટર બનવાના મૂડમાં જોવા મળી રહી છે. મનુએ ઘણી રમતો રમી છે અને હવે તે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવી રહી છે.

આ માટે તેઓ સૂર્યકુમાર યાદવને પણ મળી હતી. મનુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતના T20 કેપ્ટનને મળવાની જાણકારી આપી અને કહ્યું કે તે મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા આ બેટ્સમેન પાસેથી નવી રમતનું ટેકનિકલ જ્ઞાન લઈ રહી છે.

બ્રેક પર છે મનુ ભાકર

મનુ હાલમાં ત્રણ મહિનાના બ્રેક પર છે. પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યા બાદ તેણે આ નિર્ણય લીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત અને મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી છે.

સૂર્યકુમાર યાદવ સાથે મુલાકાત

પેરિસથી પરત ફર્યા બાદ મનુ બ્રેક પર છે અને આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરી રહી છે. તે ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમારને મળી અને તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. આ ફોટો સાથે મનુએ લખ્યું, “ભારતની મિ. 360 ડિગ્રીને મળી અને નવી ગેમની ટેકનિક શીખી.” આ ફોટોમાં સૂર્યકુમાર પોતાના હાથથી બંદૂકનો પોઝ આપી રહ્યો છે જ્યારે મનુએ બેટ પકડ્યું છે.