ડિએગો જોટા અને કોડી ગાક્પોએ નોંધાવેલા બે-બે ગોલની મદદથી લિવરપુલે લીગ કપ ફૂટબોલની મેચમાં વેસ્ટ હામ યૂનાઇટેડને 5-1થી પરાજય આપ્યો હતો. ચોથા રાઉન્ડની અન્ય એક મેચમાં આર્સનલે થ્રી-ટાયર ટીમ બોલ્ટન વોન્ડરર્સને 5-1થી હરાવ્યું હતું. એનફિલ્ડ ખાતે રમાયેલી મેચમાં જારેલ ક્યૂનશાએ આત્મઘાતી ગોલ કરતા વેસ્ટ હામને ખાતું ખોલ્યું હતું.
જોટાએ 25મી તથા 49મી, મોહમ્મદ સાલાહે 74મી તથા ગાક્પોએ મેચની અંતિમ પાંચ મિનિટમાં 90મી તથા 90 પ્લસ થ્રી (93મી મિનિટે) ગોલ કર્યા હતા.
આર્સનલ માટે ડેક્લાને 16મી મિનિટે ગોલ કરીને ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ ઇથાન વાનેરીએ 37મી તથા 49મી, રહીમ સ્ટર્લિંગએ 64મી, કાઇ હાવેર્ટ્ઝે 77મી મિનિટે ગોલ કર્યા હતા. બોલ્ટન માટે એરોન કોલિન્સે 53મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. 17 વર્ષીય ઇથાન વાનેરીએ ક્લબ માટે પ્રથમ ગોલ કરીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આ પહેલાં ચેલ્સીએ બેરો એફસી સામે એકતરફી અંદાજમાં 5-0થી વિજય હાંસલ કર્યો હતો. એસ્ટન વિલાએ વાયકોમ્બેને 2-1થી તથા માન્ચેસ્ટર સિટીએ વોટફોર્ડને 2-1થી હરાવી હતી.