સ્ટાર ભારતીય ખેલાડીનો થયો ગંભીર અકસ્માત, 4-5 વખત પલટી કાર! હોસ્પિટલમાં દાખલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. મુશીર ખાનની ગરદન પર ગંભીર ઈજા થઈ છે. મુશીર તેના પિતા નૌશાદ ખાન સાથે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે રોડ પર કાર 4-5 વખત પલટી ગઈ, જેના કારણે મુશીરને ગંભીર ઈજાઓ થઈ છે.

ક્રિકેટથી થોડો સમય દુર રહેશે મુશીર ખાન

હવે મુશીર ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી ક્રિકેટ એક્શનથી દૂર રહે તેવી શક્યતા છે. મુશીરને પરત ફરવામાં પણ 3 મહિનાનો સમય લાગી શકે છે. આ ઈજાના કારણે મુશીરનું ઈરાની ટ્રોફીમાંથી બહાર થવું નિશ્ચિત છે. સરફરાઝ ખાનનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢનો છે. તેમનું ગામ અહીંના સાગધી તાલુકામાં બાસુપર છે.

દુલીપ ટ્રોફીમાં પદાર્પણ પર કમાલ કર્યો

મુશીર ખાને દુલીપ ટ્રોફી 2024માં બેટથી તબાહી મચાવી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં જ, મુશીરે ઈન્ડિયા-બી માટે ઈન્ડિયા-એ વિરૂદ્ધ 181 રનની ઈનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 373 બોલનો સામનો કર્યો અને 16 ચોગ્ગા ઉપરાંત 5 છગ્ગા ફટકાર્યા. દુલીપ ટ્રોફીમાં પદાર્પણ વખતે યુવા ખેલાડી (20 વર્ષથી ઓછી ઉંમરના) દ્વારા આ ત્રીજો સૌથી વધુ સ્કોર હતો.

મુશીરે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા હતા, જેમણે 1991માં તેની દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં 159 રન બનાવ્યા હતા. આ મામલે બાબા અપરાજિત ટોપ પર છે, જેમણે દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂમાં 212 રન બનાવ્યા હતા. બીજા સ્થાને યશ ધૂલ છે, જેણે 193 રન બનાવ્યા હતા.

અંડર-19 વર્લ્ડ કપમાં પણ કહેર મચાવ્યો

મુશીર ખાને અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઘણી જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. 7 મેચમાં તેણે 60ની એવરેજથી 360 રન બનાવ્યા. આ સાથે જ તેણે 7 વિકેટ પણ લીધી હતી. 19 વર્ષના મુશીરને ભવિષ્યનો મોટો ભારતીય સ્ટાર માનવામાં આવે છે. મુશીર આવનારા સમયમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં ફિટ થઈ શકે છે.

મુશીર ખાન મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. મુશીરે અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 1 અડધી સદી સામેલ છે. મુશીરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 203 રન અણનમ રહ્યો છે. મુશીરે બોલ સાથે પણ અજાયબીઓ કરી છે અને કુલ 8 વિકેટ લીધી છે. મુશીરનો મોટો ભાઈ સરફરાઝ બાંગ્લાદેશ સામે ચાલી રહેલી કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે, જોકે તેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો.