IPL 2025 મેગા હરાજી પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રીટેન્શન નિયમો જાહેર કર્યા છે. જે બાદ હવે તમામ ટીમો 6-6 ખેલાડીઓને રિટેન કરી શકશે. આ સિવાય BCCIએ IPL 2025ને લઈને પણ ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાંથી એક ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો છે જે વિવાદમાં આવ્યા પછી પણ ચાલુ રહેશે. આ સિવાય એક અન્ય નિયમ છે જે ટીમોને રાહત આપવા જઈ રહ્યો છે પરંતુ કેટલાક ખેલાડીઓનું ટેન્શન વધારી શકે છે.
BCCIએ હવે નવી સિઝનની શરૂઆત પહેલા નામ પાછું ખેંચનારા ખેલાડીઓ પર લગામ લગાવવા માટે નવો આદેશ જારી કર્યો છે.
આ ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
દર વખતે IPLની નવી સિઝન દરમિયાન ઘણા ખેલાડીઓ પોતાના નામ પાછા ખેંચતા જોવા મળે છે. જેના કારણે ટીમને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આ બાબતમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ મોટાભાગે સામેલ છે, જેઓ સિઝન શરૂ થાય તે પહેલા અને સિઝનની મધ્યમાં ટૂર્નામેન્ટ છોડી દે છે. આવી સ્થિતિમાં હવે BCCIએ આવા ખેલાડીઓ પ્રત્યે કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
હવે જો કોઈ ખેલાડી સિઝનની શરૂઆત પહેલા પોતાનું નામ પાછું ખેંચે છે, તો BCCI તેના પર વર્તમાન સિઝન અને આગામી બે સિઝન માટે પ્રતિબંધ લગાવશે. જે બાદ હવે ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચતા પહેલા ઘણી વાર વિચારવું પડશે. જે ખેલાડી હરાજીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે અને બોલી લગાવે છે અને પછી પાછી ખેંચી લેવાનો નિર્ણય કરે છે, તેને આગામી બે વર્ષ સુધી હરાજીમાં સામેલ કરવામાં આવશે નહીં.
ટીમોને રાહત મળશે
BCCIના આ નિયમથી IPL ટીમોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે જ્યારે કોઈ ખેલાડી અચાનક પોતાનું નામ પાછું ખેંચી લે છે, ત્યારે તે ટીમો માટે રિપ્લેસમેન્ટ શોધવું એટલું સરળ નથી. પરંતુ હવે આવું થતું જોવા નહીં મળે.