પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે આગામી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. પ્રથમ મેચ 7 ઓક્ટોબરથી રમાશે જ્યારે ત્રીજી મેચ 24 ઓક્ટોબરથી રમાશે. જો કે, આ સીરીઝ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 6-7 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવાની ધમકી આપી છે. બોર્ડે ફિટનેસને લઈને સ્પષ્ટ શબ્દોમાં પોતાની સૂચનાઓ જાહેર કરી છે.
PCBએ ખેલાડીઓને આપી ચેતવણી
ઈંગ્લેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના જ ખેલાડીઓને ફટકાર લગાવી છે. પ્રેસ રિલીઝ જાહેર કરતી વખતે, બોર્ડના એક અધિકારીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ 6-7 ખેલાડીઓને કડક ચેતવણી આપી છે. બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે સેન્ટ્રલ અને ડોમેસ્ટિક કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓએ પોતાની ફિટનેસમાં સુધારો કરવો જોઈએ. કારણ કે ફિટનેસમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને તેમણે ફિટનેસના તમામ માપદંડોને પૂર્ણ કરવા પડશે.
કોચે ઉઠાવ્યા હતા સવાલ
બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સફેદ બોલના કોચ ગેરી કર્સ્ટન અને લાલ બોલના ક્રિકેટના હેડ કોચ જેસન ગિલેસ્પીએ PCB અધ્યક્ષ મોહસિન નકવીને કહ્યું હતું કે ફિટનેસના મામલે કોઈપણ ખેલાડીને છૂટ આપવામાં ન આવે. આ વખતે PCBએ તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત મોડી કરી છે, જે સામાન્ય રીતે જુલાઈમાં જ કરવામાં આવે છે.
બાબરે સલાહ આપી હતી
ગયા વર્ષે ભારતમાં આયોજિત વર્લ્ડકપ 2023 પછી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડિરેક્ટર મોહમ્મદ હાફીઝ અને ભૂતપૂર્વ કેપ્ટન મિસબાહ-ઉલ-હકે ખુલાસો કર્યો હતો કે ભૂતપૂર્વ કોચ મિકી આર્થર અને કેપ્ટન બાબર આઝમે ટ્રેનર્સને ખેલાડીઓ પર ફિટનેસનું દબાણ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો . તેણે તેની પાછળનું કારણ પ્રદર્શનને ટાંક્યું હતું.
નબળી ફિટનેસના કારણે પાકિસ્તાનને મોટી ટુર્નામેન્ટમાં નાની ટીમો સામે પણ હારનો સામનો કરવો પડી રહ્યો છે. વર્લ્ડકપ 2023માં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે શરણાગતિ સ્વીકારી હતી. આ સિવાય પાકિસ્તાનને T20 વર્લ્ડકપ 2024માં પણ યુએસએથી હારનો સામનો કરવો પડ્યો હતો.