IND vs BAN: 14 બોલમાં 3 વિકેટ..! જાડેજાની ચાલમાં ફસાયા બાંગ્લાદેશી બેટ્સમેન

ભારતીય ટીમે કાનપુર ટેસ્ટ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોએ બાંગ્લાદેશની બેટિંગને તબાહ કરી નાખી હતી. અશ્વિનથી લઈને બુમરાહ અને જાડેજાએ પાંચમા દિવસે ખતરનાક બોલિંગ રજૂ કરી હતી. ખાસ કરીને રવિન્દ્ર જાડેજાએ પાંચમા દિવસે પોતાની સ્પિનથી બાંગ્લાદેશના બેટ્સમેનોને ફસાવ્યા હતા. બાંગ્લાદેશી બેટ્સમેનો જાડેજા સામે ઘૂંટણિયે પડેલા જોવા મળ્યા હતા.

જાડેજાની ખતરનાક બોલિંગ

ચોથા દિવસે પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજાને માત્ર એક જ વિકેટ મળી હતી. પરંતુ જાડેજા બીજા દાવમાં સાવ અલગ રંગમાં જોવા મળ્યો હતો. બેક ટુ બેક જાડેજાએ બાંગ્લાદેશની ટીમને મોટો આંચકો આપ્યો હતો. બીજી ઇનિંગમાં જાડેજાએ માત્ર 14 બોલમાં 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનો કેપ્ટન નઝમુલ હુસેન શાંતો પણ જાડેજાના બોલને સમજી શક્યો ન હતો. જાડેજાના બોલથી શાંતોના સ્ટમ્પ ઉખડી ગયા હતા.

કાનપુર ટેસ્ટમાં જાડેજાએ રેકોર્ડ બનાવ્યો

રવિન્દ્ર જાડેજાએ કાનપુર ટેસ્ટના ચોથા દિવસે એકમાત્ર વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ અને 3 હજારનો સ્કોર કરનાર વિશ્વનો બીજો ક્રિકેટર બની ગયો છે, આ સિવાય તે આ મામલે એશિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સિવાય જાડેજાએ પણ પ્રથમ દાવમાં બેટિંગ કરતા 8 રન બનાવ્યા હતા. આ પહેલા ચેન્નાઈ ટેસ્ટમાં જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી.

બીજા દાવમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરીને બાંગ્લાદેશને બેક ફૂટ પર ધકેલી દીધું હતું. જાડેજાએ 10 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેના કારણે બાંગ્લાદેશ બીજા દાવમાં 146 રનમાં સમેટાઈ ગયું હતું. હવે ભારતને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ છે. જાડેજા ઉપરાંત બુમરાહ અને અશ્વિને પણ 3-3 વિકેટ ઝડપી હતી.