ભારતે રચ્યો ઈતિહાસ, 21મી સદીમાં આ સિદ્ઘિ હાંસલ કરનારી વિશ્વની પ્રથમ ટીમ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલા ત્રણ દિવસ વરસાદને કારણે માત્ર 35 ઓવરની જ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને મેચના ચોથા દિવસે બેટિંગ કરવાનો મોકો મળ્યો, જ્યાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી અને માત્ર 34.4 ઓવરમાં 285 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં આકાશ દીપની વિકેટ પડતાની સાથે જ કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.

આ સાથે, 21મી સદીમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે 50 ઓવર પહેલા જ પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હોય.

હેન્સી ક્રોન્યે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવ્યા

બીજી તરફ, છેલ્લા 70 વર્ષમાં આ માત્ર બીજી વખત છે કે જ્યારે કોઈ ટીમે 35 ઓવર પહેલા જ પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હોય, પછી ભલે તે પરિસ્થિતિ ગમે તે હોય. 2000માં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. ત્યારબાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેએ ઈનિંગ્સ ડિકલેર કરીને બધાને ચોંકાવી દીધા હતા અને ઈંગ્લેન્ડને એવો ટાર્ગેટ આપ્યો હતો કે ઈંગ્લિશ કેપ્ટન નાસિર હુસૈન પણ તેના પર બિલકુલ વિશ્વાસ ન કરી શકે.

માત્ર ત્રણ દિવસમાં જ મેચ પૂરી થઈ ગઈ હતી

જો કે, બાદમાં હેન્સી ક્રોન્યેએ આ મેચ અંગેના મેચ ફિક્સિંગના તમામ આરોપોને સ્વીકારી લીધા હતા. આ મેચ ત્રણ દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી, પરંતુ રોહિતે લીધેલો નિર્ણય ખૂબ જ બોલ્ડ છે. જો ભારત કાનપુર ટેસ્ટ જીતવામાં સફળ રહે છે, તો તેનું ઉદાહરણ હંમેશા આપવામાં આવશે.

ભારત પાસે મેચ જીતવાની સુવર્ણ તક

વરસાદના કારણે ત્રણ દિવસની રમત બરબાદ થઈ ગયા બાદ પણ ભારત આ મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ભારતે બાંગ્લાદેશને બીજી ઈનિંગમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જેના કારણે ભારતને જીતવા માટે 95 રન બનાવવાના છે.