બાંગ્લાદેશની ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ હવે પૂરી થઈ ગઈ છે. ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ કાનપુરમાં રમાઈ હતી, જેને ભારતીય ટીમે 7 વિકેટે જીતીને સિરીઝ 2-0થી કબજે કરી હતી. આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ દરેક ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ, બોલિંગથી લઈને ફિલ્ડિંગ સુધી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને પછાડતી દેખાઈ રહી હતી.
જે બાદ હવે એક નહીં પરંતુ બે ભારતીય ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફિલ્ડિંગ માટે ‘ઈમ્પેક્ટ ફિલ્ડર’ મેડલ આપવામાં આવ્યો છે. જેનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શેર કરવામાં આવ્યો છે.
આ 2 ખેલાડીઓએ મેડલ મળ્યા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ જોવા મળી હતી. ભારતીય ખેલાડીઓએ ઘણા શાનદાર કેચ પણ લીધા હતા. કાનપુર ટેસ્ટમાં રોહિત શર્મા અને મોહમ્મદ સિરાજે એક હાથે શાનદાર કેચ લીધા હતા. આ સિવાય કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે પણ ઘણા શાનદાર કેચ લીધા હતા. હવે રોહિત શર્મા, ગિલ અને કેએલ રાહુલને નહીં પરંતુ યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજને ‘ઈમ્પેક્ટ ફિલ્ડર’ મેડલ આપવામાં આવ્યો છે.
ભારતે 2-0થી સિરીઝ જીતી
આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમાઈ હતી. જે ભારતે 280 રનથી જીતી લીધું હતું. આ મેચમાં આર અશ્વિને બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સદી ફટકારવાની સાથે અશ્વિને ચેન્નાઈ ટેસ્ટમાં 6 વિકેટ પણ લીધી હતી. આ સિવાય ભારતે બીજી કાનપુર ટેસ્ટ 7 વિકેટે જીતી હતી. જયસ્વાલે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. જયસ્વાલે કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.