Tennis: અલ્કારાઝે જાનિક સિનરને હરાવી ચાઇના ઓપનનું ટાઇટલ જીત્યું

એક સેટમાં પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને કાર્લોસ અલ્કારાઝે વિશ્વના પ્રથમ ક્રમાંકિત જાનિક સિનરને હરાવીને કારકિર્દીમાં પ્રથમ વખત ચાઇના ઓપન એટીપી ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. અલ્કારાઝે ફાઇનલ મુકાબલાને 6-7 (6-8), 6-4, 7-6 (7-3)ના સ્કોરથી જીત્યો હતો. તેણે ચાલુ વર્ષે ચોથું અને ઓવરઓલ 16મું ટાઇટલ જીત્યું છે.

મેન્સ સિંગલ્સમાં બીજા ક્રમાંકની નજીક પહોંચેલા અલ્કારાઝે ફાઇનલ સેટના ટાઇબ્રેકરમાં એક સમયે 3-0થી પાછળ રહ્યા બાદ સતત સાત પોઇન્ટ જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

ફાઇનલ મુકાબલો ત્રણ કલાક 21 મિનિટ સુધી રમાયો હતો. આ સાથે સિનરના સતત 14 વિજયનો રથ પણ અટકી ગયો હતો. ઇટાલિયન ખેલાડી સિનર છેલ્લા કેટલાક વખતની તેની સામે થયેલા ડોપિંગના આક્ષેપોના કારણે તનાવમાં રહ્યો છે.