વર્લ્ડ ચેસ ફેડરેશને (ફીડે) નવી રેટિંગ જાહેર કરી છે અને 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓના રેકિંગ ઉપર તેની સીધી અસર દેખાઈ રહી છે. ભારત માટે મેન્સ કેટેગરીમાં અર્જુન એરિગાસી અને ડી. ગુકેશ તથા વિમેન્સ કેટેગરીમાં દિવ્યા દેશમુખે પોતાની કારકિર્દીનું બેસ્ટ રેટિંગ હાંસલ કર્યું છે.
મેન્સમાં નોર્વેનો 34 વર્ષીય મેગ્નસ કાર્લસન પ્રથમ અને અમેરિકાનો 37 વર્ષીય હિકારુ નાકામુરા બીજા ક્રમાંકે છે.
2,797 રેટિંગ પોઇન્ટ સાથે ભારતના 21 વર્ષીય અર્જુન એરિગાસીએ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. તેણે અમેરિકાના ફેબિયાનો કારુઆનાને 2,796 પોઇન્ટ સાથે ચોથા ક્રમે ધકેલી દીધો છે. આગામી મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ભારતનો 18 વર્ષીય ડી. ગુકેશ 2,784 રેટિંગ પોઇન્ટ સાથે પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ-5મા પ્રવેશ્યો છે. અન્ય ભારતીયોમાં વિશ્વનાથન આનંદ 11મા, આર પ્રજ્ઞાનાનંદા 12મા, વિદિત ગુજરાતે 26મા ક્રમાંકે છે.
વિમેન્સ કેટેગરીની ટોપ-10માં કોઈ મોટા ફેરફાર થયા નથી. ચેસ ઓલિમ્પિયાડમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર દિવ્યા દેશમુખ 11મા, કાનેરુ હમ્પી છઠ્ઠા ક્રમે છે. હરિકા દ્રોણાવલ્લી 14મા તથા આર. વૈશાલી 15મા ક્રમાંકે છે. ટીમ રેન્કિંગમાં ભારતની મેન્સ, વિમેન્સ તથા મિક્સ કેટેગરીમાં બીજા સ્થાને જળવાઈ રહી છે.