ડાબોડી રિસ્ટ સ્પિનર તબરેઝ શમ્સીએ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેણે વિશ્વભરની ટી20 લીગમાં વધારે સક્રિય રીતે રમવા માટે આ નિર્ણય લીધો છે. જોકે શમ્સી હજુ પણ સાઉથ આફ્રિકા માટે વ્હાઇટબોલ ફોર્મેટની મોટી દ્વિપક્ષીય અને આઇસીસી ટૂર્નામેન્ટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
શમ્સીએ જણાવ્યું હતું કે મેં મારી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
હું ડોમેસ્ટિક સિઝનમાં મારી રમતને વધારે અસરકારક બનાવવા માગું છું અને આ રીતે હું તમામ ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવી શકીશ. હું મારા પરિવારની સર્વશ્રોષ્ઠ રીતે દેખરેખ કરવા માગું છું. શમ્સીએ ભવિષ્યમાં વર્લ્ડ કપમાં પોતે રમી શકશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. શમ્સી પહેલાં કેન વિલિયમ્સન, ડેવોન કોનવે તથા ફિન એલન જેવા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ આગામી એક વર્ષ માટે તેમના ક્રિકેટ બોર્ડે ઓફર કરેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકારી નાખ્યો હતો. સાઉથ આફ્રિકન બોર્ડે જણાવ્યું હતં કે અમે શમ્સીના નિર્ણયનો આદર કરીએ છીએ અને ઇન્ટરનેશનલ પ્રદર્શન દ્વારા તે આફ્રિકન ક્રિકેટ અને તેની હોમ ટીમ ટાઇટન્સ પ્રત્યેના સમર્પણ અંગે પ્રતિબદ્ધ રહેશે.