ભારતીય ક્રિકેટ ફેન્સ માટે કેટલાક સમય પહેલાં ખુશખબર મળી હતી કે દેશની સૌથી લોકપ્રિય રમતોમાંની એક ક્રિકેટને 2028ની લોસ એન્જલસ ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે. ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે.
જોકે એક નિરાશાજનક બાબત એ છે કે જાપાનની યજમાનીમાં યોજાનારી 2026ની એશિયન ગેમ્સમાંથી મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીની ક્રિકેટની બાદબાકી કરી દેવામાં આવી છે.
ભારતની મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમે 2026ની એશિયન ગેમ્સમાં પોતાના ગોલ્ડ મેડલનું ડિફેન્સ કરી શકશે નહીં.
2026ની એશિયન ગેમ્સના નાગોયા ખાતેના બેઝબોલ સ્ટેડિયમનો ઉપયોગ ક્રિકેટ મેચ માટે કરવામાં આવશે કે કેમ તેના સંદર્ભમાં યજમાન જાપાનના હેડ ઓફ ક્રિકેટ ઓપરેશન્સ એલન કરે જણાવ્યું હતું કે એશિયાડમાં ક્રિકેટને સામેલ કરવામાં આવી નથી. ક્રિકેટની રમતને સામેલ કરવામાં આવી હોત તો તે શાનદાર બાબત હતી પરંતુ અમારી આયોજન સમિતિએ સ્પષ્ટતા કરી દીધી છે કે ક્રિકેટને સામેલ કરવામાં આવશે નહીં.
એશિયાડમાં 41 વિવિધ રમતો રહેશે પરંતુ ક્રિકેટ હજુ તે સ્તર સુધી પહોંચી નથી. જ્યાં સુધી સમિતિ અમને કશું કહેશે નહીં તો અમે કોઈ પ્લાનિંગ કરી શકીશું નહીં. નોંધનીય છે કે હાંગઝોયૂ ખાતેની એશિયન ગેમ્સમાં ભારતની મેન્સ તથા વિમેન્સ બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેન્સ ટીમ પ્રથમ વખત એશિયાડમાં રમી હતી. એશિયન તથા કોમનવેલ્થ ગેમ્સની જેમ ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ ટી20 ફોર્મેટ મુજબ રમાશે.