વિરાટ કોહલી રિષભ પંતને ન મળ્યું સ્થાન, 2 મેચ માટે ટીમની જાહેરાત

ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે T20I સિરીઝમાં બાંગ્લાદેશનો સામનો કરવા માટે તૈયાર છે. ગ્વાલિયરમાં 6 ઓક્ટોબરથી 3 મેચની T20I સિરીઝ શરૂ થશે. બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે અને ત્યારબાદ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. આ સિરીઝની વચ્ચે ઘરેલુ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી પણ શરૂ થશે.

રણજી ટ્રોફી 11મી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે, જેના માટે તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. દિલ્હીની ટીમ પણ 11 ઓક્ટોબરથી છત્તીસગઢ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે બીજી મેચમાં દિલ્હીનો મુકાબલો તામિલનાડુ સામે થશે. આ બંને મેચ માટે દિલ્હીએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

કોહલી અને પંતનું નથી નામ

દિલ્હીએ અગાઉ રણજી ટ્રોફી માટે 84 સભ્યોની સંભવિત ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં વિરાટ કોહલી અને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પહેલી બે મેચ માટે પસંદ કરાયેલા 18 ખેલાડીઓના લિસ્ટમાં કોહલી અને પંતનું નામ નથી. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ આ જાણકારી આપી. રણજી ટ્રોફીની શરૂઆત સાથે જ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત થઈ જશે. આવી સ્થિતિમાં કોહલી અને પંતને દિલ્હીની 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

હિંમતસિંહ સંભાળશે ટીમની કમાન

હિંમત સિંહને દિલ્હીની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)નો બેટ્સમેન આયુષ બદોની ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ટીમમાં ઝડપી બોલર નવદીપ સૈની અને યશ ધુલના નામ પણ સામેલ છે. ફાસ્ટ બોલર મણિ ગ્રેવાલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે સિમરજીત સિંહની ફિટનેસ સિઝનની શરૂઆત પહેલા ફરી એકવાર ચિંતાનો વિષય છે. જો સિમરજીત ફિટ નહીં હોય તો દિવિજ મેહરા તેની જગ્યા લેવા તૈયાર થશે.

પહેલી 2 મેચો માટે દિલ્હીની ટીમ

હિમ્મત સિંહ (કેપ્ટન), આયુષ બદોની, અનુજ રાવત, સનત સાંગવાન, ધ્રુવ કૌશિક, યશ ધૂલ, જોન્ટી સિદ્ધુ, મયંક રાવત, ક્ષિતિજ શર્મા, પ્રણવ રાજુવંશી (વિકેટમેન), સુમિત માથુર , નવદીપ સૈની, હિમાંશુ ચૌહાણ, સિમરજીત સિંહ */દિવિજ મેહરા, રિતિક શૌકીન, હર્ષ ત્યાગી, મની ગ્રેવાલ, શિવાંક વશિષ્ઠ.