પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બાબર આઝમનું સફેદ બોલના કેપ્ટન પદ પરથી રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. આ નિર્ણય T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ આવ્યો છે, જ્યાં બાબર આઝમની કેપ્ટનશિપ પર સવાલો ઉઠ્યા હતા. PCBએ બાબરના નિર્ણયનો આદર કર્યો હતો અને આકરો જવાબ પણ આપ્યો હતો.
PCBએ આપી પ્રતિક્રિયા
બાબર આઝમના આ નિર્ણય પર PCBએ સ્પષ્ટ કહ્યું કે આ તેમનો અંગત નિર્ણય છે.
બોર્ડે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “બાબરનું રાજીનામું તેના નિર્ણયને દર્શાવે છે કે તે સુકાની બનવાને બદલે ખેલાડી બનવા પર વધુ ધ્યાન આપવા માંગે છે.”
PCBએ બાબરને ODI કેપ્ટન રહેવાની ઓફર કરી હતી, જેને તેણે ફગાવી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી બાબરનું પ્રદર્શન એટલું સારું નથી રહ્યું અને તેણે કેપ્ટનશિપના દબાણમાંથી મુક્ત થવા અને પોતાના વ્યક્તિગત પ્રદર્શનને સુધારવા માટે આ નિર્ણય લીધો છે.
બાબરે સુકાની પદ છોડવાનું કારણ જણાવ્યું
બાબર આઝમે આ નિર્ણય પાછળનું કારણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું છે. તેણે કહ્યું, “કેપ્ટન્સીના દબાણને કારણે મારા પર કામનો બોજ ઘણો વધી ગયો હતો અને હવે હું મારી બેટિંગ પર ધ્યાન આપવા માંગુ છું.”
તેમણે એમ પણ કહ્યું કે સુકાનીપદ છોડવાનું આ પગલું તેની વ્યક્તિગત પ્રગતિ માટે છે અને તે ભવિષ્યમાં પણ ટીમમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. બાબરે તેના ચાહકોને ખાતરી આપી કે તે પાકિસ્તાન માટે રમવાનું ચાલુ રાખશે અને દરેક ફોર્મેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશે.
નવા કેપ્ટનની શોધમાં PCB
બાબર આઝમના રાજીનામાથી PCB નવા કેપ્ટનની શોધના ચકરાવે ચડી ગયું છે. આગામી ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને ટીમ પર દબાણ રહેશે અને નવા નેતૃત્વને આ પડકારનો સામનો કરવો પડશે. જો કે, બાબરની ક્રિકેટ સફર હજુ પૂરી થઈ નથી અને તે તેની બેટિંગથી ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે કે કેમ તે જોવાનું રહે છે.