જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આખરે સચિન તેંડુલકરને છોડ્યો પાછળ

ઘરઆંગણે શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ હારવા છતાં ઈંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડનો સુપરસ્ટાર બેટ્સમેન જો રૂટ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. ઇંગ્લેન્ડને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ જીતાડવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે.

જો રૂટે સચિન તેંડુલકરને છોડ્યો પાછળ

જો રૂટે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઘણા રન બનાવ્યા હતા. તેણે 6 ઇનિંગ્સમાં કુલ 375 રન બનાવ્યા, જેમાં બે સદી અને એક ફિફ્ટી સામેલ છે. તેના મજબૂત પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં છઠ્ઠી વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે, જે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ છે.

સચિન તેંડુલકરને ટેસ્ટમાં પાંચ વખત પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. હવે જો રૂટે તેંડુલકરને પાછળ છોડી દીધો છે. ટેસ્ટમાં, મુથૈયા મુરલીધરને સૌથી વધુ 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. ભારતના રવિચંદ્રન અશ્વિન બીજા નંબર પર છે. તેણે આ એવોર્ડ 10 વખત જીત્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝનો પુરસ્કાર જીતનાર ઈંગ્લેન્ડના ખેલાડી

  • જૉ રૂટ- 6 વખત
  • એન્ડ્રુ સ્ટ્રોસ – 5 વખત
  • ગ્રેહામ ગૂચ – 5 વખત
  • જેમ્સ એન્ડરસન- 5 વખત

ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી

જો રૂટ એવો ખેલાડી છે જેણે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી છે. રન બનાવવાના મામલે તે બીજા સ્થાને છે. તેણે 2012માં ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઈંગ્લેન્ડના બેટિંગ ઓર્ડરમાં મહત્વની કડી બની રહ્યો છે. રૂટે અત્યાર સુધી 146 ટેસ્ટ મેચોમાં 12402 રન બનાવ્યા છે જેમાં 34 સદી અને 64 ફિફ્ટી સામેલ છે. વનડે ક્રિકેટમાં તેના નામે 6522 રન છે.