- Advertisement -

નામિબિયા સામે સ્કોટલેન્ડે પાંચ વિકેટે વિજય મેળવ્યો

- Advertisement -

કેપ્ટન રિચી બેરિંગ્ટન અને માઇકલ લિયાસ્કની શાનદાર રમતની મદદથી સ્કોટલેન્ડે શુક્રવારે રમાયેલી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં નામિબિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે સ્કોટલેન્ડે ગ્રૂપ-બીમાં મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું હતું. નામિબિયાએ તેની 20 ઓવરમાં નવ વિકેટે 155 રનનો સ્કોર નોંધાવ્યો હતો જે ટારગેટ સ્કોટલેન્ડની ટીમે નવ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટના ભોગે વટાવી દીધો હતો.

- Advertisement -

156 રનના ટારગેટ સામે રમતી સ્કોટલેન્ડની ટીમ માટે ઓપનર મિચેલ જોન્સે 20 બોલમાં 26 રન ફટકારીને ટીમ માટે સારી શરૂઆત કરી હતી. ત્યાર બાદ કેપ્ટન રિચી બેરિંગ્ટને શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટીમને ટારગેટ સુધી પહોંચાડતી ઇનિંગ્સ રમીને 35 બોલમાં બે સિક્સર સાથે અણનમ 47 રન ફટકાર્યા હતા.

- Advertisement -

બેરિંગ્ટન અને લિયાસ્કે 6.5 ઓવરમાં 74 રનની ઝડપી ભાગીદારી નોંધાવીને ટીમની સફળતા નિશ્ચિત કરાવી દીધી હતી. લિયાસ્કે એક વિકેટ પણ ખેરવી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

- Advertisement -

ટી20 ઇન્ટરનેશનલમાં સ્કોટલેન્ડ માટે નામિબિયા સામે આ પ્રથમ વિજય હતો. આ સાથે સ્કોટલેન્ડે વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં ગ્રૂપ-બીમાં ઓસ્ટ્રેલિયાને પાછળ રાખીને મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું હતું. તેણે બે મેચમાંથી ત્રણ પોઇન્ટ હાંસલ કર્યા છે. ઇંગ્લેન્ડ સામેની તેની મેચ વરસાદને કારણે ધોવાઈ જતાં એક પોઇન્ટ મળ્યો હતો.. ઓસ્ટ્રેલિયા તેની એક મેચ જીતીને બે પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આ ગ્રૂપમાં ચોથી ટીમ ઓમાનની છે. ઓમાનની ટીમ પ્રારંભિક મેચમાં નામિબિયા સામે રમી હતી જે ટાઇ બાદ સુપર ઓવરમાં ગઈ હતી જ્યાં નામિબિયાનો વિજય થયો હતો. હવે શનિવારે રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થનારો છે. અગાઉ નામિબિયા માટે કેપ્ટન ગેરહાર્ડ ઇરાસમસે ઝડપી બેટિંગ કરીને 30 બોલમાં બાવન રન ફટકાર્યા હતા. તેણે ઝેન ગ્રીન સાથે મળીને પાંચમી વિકેટ માટે 51 રન ઉમેરતા નામિબિયાની ટીમ 155 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.

બોલિંગમાં પણ ઇરાસમસ ઝળક્યો હતો અને તેણે 14 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેની બોલિંગને કારણે જ સ્કોટલેન્ડે એક સમયે 69 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી બેરિંગ્ટન અને લિયાસ્કે બાજી સંભાળી લીધી હતી.

- Advertisement -
- Advertisement -