- Advertisement -

ભારત સામે ફોલો-ઓન બાદ દક્ષિણ આફ્રિકાની બીજા દાવમાં લડત

- Advertisement -

ભારત દક્ષિણ આફ્રિકા સામે અહીં રમાઈ રહેલી એક માત્ર વિમેન્સ ક્રિકેટ ટેસ્ટમાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બાદ રિચા ઘોષની શાનદાર બેટિંગની મદદથી પ્રથમ ઈનિંગ્સ છ વિકેટે 603 રને ડિક્લેર કરી હતી. ભારતે તોતિંગ સ્કોર નોંધાવતા મહિલા ટેસ્ટમાં નવો ઇતિહાસ રચ્યો હતો. ભારતના વિશાળ સ્કોર સામે સાઉથ આફ્રિકા પ્રથમ દાવમાં 266 રનમાં ખખડ્યું હતું.

- Advertisement -

ભારતે ફોલો ઓન આપ્યા બાદ દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં સૂને લૂસની સદીના સહારે લડત આપી શક્યું હતું અને ત્રીજા દિવસની રમતના અંતે પ્રવાસી ટીમનો સ્કોર 85 ઓવરમાં બે વિકેટે 232 રન હતો. સુકાની વોલ્વાર્ડ 93 રને જ્યારે મેરિઝાને કેપ 15 રને રમતમાં હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પર હજુ 105 રનનું દેવું છે. ચેપોક ખાતે રમાતી ટેસ્ટમાં આફ્રિકાએ બીજા દિવસની રમતને અંતે પ્રથમ દાવમાં ચાર વિકેટે 236 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્રીજા દિવસની રમતના પ્રારંભે આફ્રિકાનો ધબડકો થયો હતો અને 30 રનની અંદર બાકીની છ વિકેટ ગુમાવતા 266માં પ્રથમ દાવ સમેટાયો હતો. સ્નેહ રાણાએ 77 રનમાં આઠ વિકેટ ઝડપી હતી અને મહિલા ટેસ્ટમાં ભારત તરફથી એક ઈનિંગ્સમાં બીજો શ્રેષ્ઠ દેખાવ હતો. અગાઉ 1995માં જમશેદપુરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં નીતુ ડેવિડે 53 રનમાં આઠ વિકેટ ખેરવી હતી.

- Advertisement -

સૂને લૂસ બીજા દાવમાં 203 બોલમાં 18 ચોગ્ગાની મદદથી 109 રન ફટકારીને આઉટ થઈ હતી. અગાઉ ઓપનર એનેક બોશ નવ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્મા અને સુકાની હરમનપ્રીત કૌરે એક-એક વિકેટ ઝડપી હતી. આફ્રિકાની ટીમે ઓપનર બોશની વિકેટ ઝડપથી ગુમાવી હતી. દીપ્તિએ બોશને લેગબીફોર આઉટ કરી હતી. ત્યારબાદ વોલ્વાર્ડ અને લૂસ વચ્ચે 190 રનની બીજી વિકેટની ભાગદારી થઈ હતી. ભારતીય ટીમની કેપ્ટન કૌર લૂસને બોલ્ડ કરીને આ પાર્ટનરશિપ તોડવામાં સફળ રહી હતી.

- Advertisement -
- Advertisement -