- Advertisement -

વન-ડે વર્લ્ડ કપ બાદ રોહિતે મને રોક્યો હતોઃ દ્રવિડ

- Advertisement -

નવેમ્બર 2023માં ભારતમાં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ફાઇનલમાં પરાજય બાદ ટીમના સુકાની રોહિત શર્માનો ફોન આવ્યો ન હોત અથવા તો તે ફોન ઉપાડ્યો ન હોત તો રાહુલ દ્રવિડ અત્યારે ઇતિહાસ રચનારી ટી20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો હિસ્સો ન હોત. ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાની હેઠળ શનિવારે સાઉથ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીત્યો ત્યાર બાદ પોતાના વિદાયના પ્રવચન દરમિયાન કોચ રાહુલ દ્રવિડે આ રહસ્યસ્ફોટ કર્યો હતો.

- Advertisement -

તેણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામેના પરાજય બાદ તે હોદ્દો છોડી દેવાનો હતો ત્યાં જ રોહિત શર્માએ આમ નહીં કરવાની વિનંતી કરતો ફોન કર્યો હતો અને તેણે પોતાનો નિર્ણય બદલ્યો હતો.

- Advertisement -

રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ બાદ પૂર્ણ થતો હતો પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એ પરાજય બાદ પણ બીસીસીઆઈએ દ્રવિડ સહિત તમામ કોચિંગ સ્ટાફનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપના અંત સુધી લંબાવ્યો હતો. આમ આ કરાર શનિવારની ફાઇનલ બાદ પૂરો થતો હતો.

- Advertisement -

રાહુલ દ્રવિડે આ હોદ્દા માટે ફરીથી અરજી કરી નથી. આમ તેનો કાર્યકાળ હવે સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. શનિવારે રમાયેલી ફાઇનલમાં ભારત જીત્યું ત્યાર બાદ રાહુલ દ્રવિડે બ્રિજટાઉનના કેનસિંગ્ટન ઓવલ ખાતેના ડ્રેસિંગ રૂમમાં ટીમને આખરી પ્રવચન આપ્યું હતું. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે નવેમ્બરમાં રોહિત શર્માએ તેને ફોન કરીને કોચ તરીકે ટકી રહેવા માટેની અરજ કરી હતી.

બીસીસીઆઈએ મંગળવારે જારી કરેલા વીડિયોમાં દ્રવિડે જણાવ્યું હતું કે આભાર રોહિત, મને નવેમ્બરમાં કોલ કરીને કોચ તરીકે જારી રહેવાની વિનંતી કરવા બદલ આભાર. મને લાગે છે કે તમારા તમામ સાથે કાર્ય કરવું તે મારા માટે વિશેષાધિકાર અને રાહતની લાગણી છે. પણ, રોહિતનો ખાસ આભાર. એવા ઘણા તબક્કા આવ્યા છે જ્યારે અમારે ચર્ચા કરવી પડી છે, અમારે મંત્રણા કરવી પડી છે, અમારે સહમત થવું પડ્યું છે, અમે ઘણી વાર સહમત થયા પણ નથી. પણ આ તમામ માટે રોહિતનો ખાસ આભાર. તેમ રાહુલ દ્રવિડે કહ્યું ત્યારે રોહિતના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.

આ વખતના ટી20 વર્લ્ડ કપમાં ટીમના સહિયારા પ્રયાસ અને શાનદાર પ્રદર્શનને પણ રાહુલ દ્રવિડે બિરદાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તમે તમામ આ ક્ષણને યાદ રાખશો. આપણે હંમેશાં કહીએ છીએ કે રન કરવા કે વિકેટ લેવી, કે કારકિર્દી આગળ ધપાવવી તે મહત્વનું નથી પરંતુ આ પ્રકારની ક્ષણો હંમેશાં યાદ રહી જતી હોય છે. આ એક સિદ્ધિ છે. જે યાદ રહી જશે.

રાહુલ દ્રવિડના આ પ્રવચન દરમિયાન બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં દ્રવિડે જણાવ્યું હતું કે અહીં સુધી પહોંચવામાં એક ટીમ તરીકે, એક ખેલાડી તરીકે, એક પરિવાર તરીકે તમે ઘણું બલિદાન આપ્યું છે. કેટલાકના પરિવારજનો અહીં છે તો કેટલાકના વતનમાં છે પરંતુ દરેકે કોઈને કોઈ રીતે બલિદાન અને યોગદાન આપેલું છે અને તે તમામનો હું આભારી છું.

- Advertisement -
- Advertisement -